મુંબઈમાં દિવસભર વાદળછાયા આકાશ વચ્ચે હળવો વરસાદ

02 June, 2020 09:41 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં દિવસભર વાદળછાયા આકાશ વચ્ચે હળવો વરસાદ

અમી છાંટણાં : ઝરમર-ઝરમર વરસતા વરસાદ વચ્ચે લૉકડાઉનને કારણે સાવ ખાલીખમ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન સામેના રસ્તા પર સાઇકલસવારીનો આનંદ માણતો યુવક. તસવીર : પી.ટી.આઇ.

અરબી સમુદ્રમાં હવાના નિર્માણ થયેલા હળવા દબાણને પગલે ગઈ કાલે મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં આખો દિવસ વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આવતી કાલે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકિનારાના પટ્ટામાં ભારે સાઇક્લોન ત્રાટકવાની આગાહી કરી છે.

ગઈ કાલે સવારે મુંબઈ શહેર, ઉપનગર તથા થાણે અને પાલઘર જિલ્લામાં હળવો વરસાદ પડતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. મુંબઈમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાવા માટે ચર્ચાસ્પદ બનેલા ધારાવી સ્લમમાં ૨૪ કલાકમાં ૩૧.૪૬ મિ.મી. વરસાદ પડ્યો હોવાનું વેધશાળાએ નોંધ્યું હતું. રવિવારે પણ પુણે આસપાસના કેટલાક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ થયો હતો.

ભારતીય વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસિલકરે ગઈ કાલે ટ્‌વીટ કર્યું હતું કે ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં જોરદાર હવા અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.

સોમવારે વહેલી સવારે ૪થી ૭ વાગ્યા દરમ્યાન સુધીમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સાંતાક્રુઝમાં ૦.૨ મિ.મી. અને કોલાબામાં બે મિ.મી. વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન ગઈ કાલે કેરળમાં ચોમાસું દાખલ થઈ ગયું છે, જે હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. પરંતુ ‘નિસર્ગ’ સાઇક્લોનને કારણે ચોમાસાને આગળ વધવામાં રૂકાવટ આવી શકે છે.

mumbai mumbai news mumbai rains