કોરોના + વરસાદી બીમારી = મુસીબતો હજી વધશે

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

કોરોના + વરસાદી બીમારી = મુસીબતો હજી વધશે

કુર્લા-વેસ્ટમાં ઘેર-ઘેર ફરીને થર્મલ રીડિંગ દ્વારા ચકાસણી કરતા સુધરાઈના હેલ્થ વર્કર્સ. (તસવીર : સૈયદ સમીર અબેદી)

આગામી ૧૧ જૂનથી દેશમાં ચોમાસાનું આગમન થવાની અપેક્ષા છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ હવામાનમાં પલટો આવતાં ચોમાસા સંબંધિત અન્ય બીમારીઓ સપાટી પર આવશે અને એ સાથે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ વણસશે એવો ભય વ્યક્ત કર્યો હતો. તેમના મતે ચોમાસાને લગતી કેટલીક બીમારીઓનું કોરોના વાઇરસ તરીકે ખોટું નિદાન કરવામાં આવી શકે છે અને એને કારણે અગાઉથી જ ભારણ અનુભવી રહેલી હૉસ્પિટલો પર વધુ દબાણ સર્જાશે. આ પરિસ્થિતિ જીવલેણ નીવડી શકે છે અને સ્થિતિને પહોંચી વળવું રાજ્ય સરકાર માટે મુશ્કેલ બની શકે છે.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં સિનિયર ઍલર્જી અને અસ્થમા સ્પેશ્યલિસ્ટ ડૉ. વિકાર શેખે જણાવ્યું કે ‘હવામાન બદલાવાની સાથે દેશમાં ચોમાસા સંબંધી બીમારીઓનું આગમન થશે. ચોમાસા દરમ્યાન ડેન્ગીના ૯૦ ટકા કેસ, ચિકનગુનિયાના ૮૦ ટકા કેસ, મલેરિયાના ૫૩ ટકા કેસ, ટાઇફૉઇડના ૪૫ ટકા કેસ, લેપ્ટોસ્પાઇરોસિસના ૯ ટકા, કમળાના ૬૦ ટકા કેસ અને કૉલેરાના મોટા ભાગના કેસ નોંધાતા હોય છે. આ ઉપરાંત વાઇરલ તાવ અને ઝાડાના કેસ પણ વધી જાય છે. કોવિડ-19ના કેસ સાથે આ કેસ વધતાં રાજ્યની હૉસ્પિટલો પર મોટું દબાણ આવશે.’

નવી મુંબઈના ખારઘરના સિનિયર પીડિયાટ્રિશ્યન ડૉ. બી. શ્રીકાંતે જણાવ્યું કે ‘ચોમાસા દરમ્યાન તાપમાન નીચું જતાં કોવિડ-19ની સ્થિતિ વણસી શકે છે, કારણ કે એની સાથે મોસમી તાવ તથા અન્ય બીમારીઓનો પણ ઉમેરો થશે.’

શાળાઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘આદર્શ સ્થિતિ તો એ છે કે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવી જોઈએ અને વર્ગખંડોમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા વધી જતી હોવાથી ઑનલાઇન વર્ગો પર ભાર મૂકવો જોઈએ. જો બાળક સંક્રમિત હોય, પરંતુ તેનામાં લક્ષણો ન જોવા મળે તો તે સહેલાઈથી વાઇરસ ઘરે લઈ જાય છે.’

ચોમાસામાં વાઇરલ તાવ અને ઝાડાના કેસ પણ વધી જાય છે. કોવિડ-19ના કેસ સાથે આ કેસ પણ વધતાં રાજ્યની હૉસ્પિટલો પર મોટું દબાણ સર્જાશે.

- ડૉ. વિકાર શેખ, સિનિયર ઍલર્જી અને અસ્થમા સ્પેશ્યલિસ્ટ

mumbai mumbai news vinod kumar menon coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation