થઈ જાઓ તૈયાર સીઝનના છેલ્લા ભારે વરસાદનો સામનો કરવા માટે

12 September, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે પછીના ચાર દિવસ મુંબઈમાં ભારે વરસાદ. જોકે એ મોટા ભાગે મોસમનો છેલ્લો ભારે વરસાદ હશે. એ પછી ધીમે-ધીમે વરસાદ ઓછો થતો જશે અને છૂટાંછવાયાં ઝાપટાં પડશે

ગુરુવારે ભારે વરસાદને કારણે દાદર સ્ટેશનની આસપાસ પાણી ભરાઈ ગયાં હતાં. (તસવીર : સૈયદ સમીર અબેદી)

મુંબઈમાં હાલ સાંજના સમયે પડતાં વરસાદનાં જોરદાર ઝાપટાંને કારણે થોડા દિવસ માટે એક પૅટર્ન બંધાઈ હતી. જોકે હવે એમાં થોડો ફરક આવશે. સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે ફરી એક વાર મુંબઈમાં ભારે વરસાદનાં છૂટાંછવાયાં ઝાપટાં પડવાની શક્યતા છે. હાલ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો જે પટ્ટો સર્જાયો છે એ ઓડિશાની નજીક છે. એની મૂવમેન્ટ નૉર્થ વેસ્ટની છે. જો એ છત્તીસગઢ તરફ જશે અને સ્થિર થશે તો બુધવારે અને ગુરુવારે ફરી એક વાર મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે એમ રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈનાં ડિરેક્ટર ડૉક્ટર સુષમા નાયરે જણાવ્યું હતું.

જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ‘એની મૂવમેન્ટ દરમ્યાન એની તીવ્રતા (ઇન્ટેન્સિટી) કેવીક ટકી રહે છે એના પર પણ ઘણું બધું ડિપેન્ડ કરે છે. અમે એના પર સતત નજર રાખી રહ્યા છીએ.’

ડૉક્ટર સુષમા નાયરે વધુમાં કહ્યું હતું કે ‘રવિવારે પણ રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારે વરસાદનાં ઝાપટાં પડ્યાં જ છે. એથી આવનારા બે દિવસ અમે રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, જ્યારે પાલઘર માટે સોમવારે ગ્રીન અલર્ટ છે. મુંબઈ, થાણે અને રાયગડમાં પણ હવે છૂટાંછવાયાં ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. મુંબઈમાં ઑક્ટોબર સુધી પાછોતરા વરસાદનાં નાનાં-મોટાં ઝાપટાં પડતાં હોય છે અને એ પછી મૉન્સૂન પૂરું થયેલું ગણાય છે. જો ડિપ્રેશનની નવી સિસ્ટમ તૈયાર નહીં થાય તો આ અઠવાડિયાનો વરસાદ મોસમનો મોટા ભાગે છેલ્લો ભારે વરસાદ હશે. એ પછી ધીમે-ધીમે મૉન્સૂન રાજસ્થાન તરફ મૂવ થતું હોવાથી વરસાદ ઓછો થતો જશે અને છૂટાંછવાયાં ઝાપટાં પડશે.’ 

mumbai mumbai news mumbai rains mumbai monsoon indian meteorological department Weather Update mumbai weather