કભી રેડ, કભી ઑરેન્જ

09 August, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેધશાળાએ પહેલાં મુંબઈ માટે વરસાદ મુસીબત લાવી શકે છે એવી આગાહી કરી, પણ સાંજ પડતાં એને ડાઉનગ્રેડ કરી નાખી

ફાઇલ તસવીર

આજે મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરિમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈ દ્વારા મુંબઈ અને થાણેમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઈની આજુબાજુના પાલઘર અને રાયગડમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. ગઈ કાલે બપોરે વેધશાળાએ આજ માટે રેડ અલર્ટ જાહેર કર્યું હતું, પણ પાછળથી એને બદલીને ઑરેન્જ કરવામાં આવ્યું હતું.

રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈના ડિરેક્ટર જયંત સરકારે આ વિશે સોમવારે બપોરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૨૪ કલાકમાં કોંકણ અને મધ્ય મહારાષ્ટના ઘાટ વિસ્તારમાં અનેક ઠેકાણે ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ હતી. હજી આવતા ત્રણ દિવસ પણ આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાતાં સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે. એથી મુંબઈ સહિત કોંકણ કિનારે અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે એકાદ-બે જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે.’

બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ​ડિરેક્ટર મહેશ નાર્વેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર છીએ. નેવીની ૯ ટુકડીઓ  અને એનડીઆરએફની પાંચ ટુકડીઓ તહેનાત છે. એ ઉપરાંત મુંબઈમાં  અનેક જગ્યાએ પાણી ભરાય છે એથી એ કાઢવા ૪૪૯ જેટલા પમ્પ બેસાડ્યા છે અને રાઉન્ડ ધ ક્લૉક અમારા કર્મચારીઓ એના પર નજર રાખતા હોય છે. એ સિવાય દરેક વૉર્ડ ઑફિસરને પણ તેમના વૉર્ડમાં ઉદ્ભવનારી સમસ્યા માટે તૈયાર રહેવા જણાવાયું છે.’

ગયા વર્ષે રત્નાગિરિમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ભારે જાનમાલનું નુકસાન થયું હતું. આ વખતે પણ એવી જ પ​રિસ્થિતિ ન સર્જાય એ માટે પ્રશાસન પહેલેથી જ સાબદું થઈને બેઠું છે. કોંકણની પાંચ મુખ્ય નદીઓ જગબુડી, કાજળી, શાસ્ત્રી, બાવનદી અને કોદવલી નદીઓએ ઑલરેડી ગઈ કાલે જ તેમની ભયજનક સપાટી વટાવી દીધી હતી.    

mumbai mumbai news mumbai monsoon mumbai rains indian meteorological department