મુંબઈગરાઓની પાણીની સમસ્યા ટળી

22 August, 2020 11:29 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈગરાઓની પાણીની સમસ્યા ટળી

જળાશય

જૂન અને જુલાઈ મહિનામાં ઓછો વરસાદ થવાથી મુંબઈને પાણી પૂરું પાડતાં સાતેય જળાશયોમાં આજથી ત્રણ અઠવાડિયાં પહેલાં માત્ર ૩૫ ટકા પાણીનો જથ્થો જ રહેતાં મુંબઈ પર પાણીનું સંકટ ઘેરાયું હતું. પરિસ્થિતિ જોઈને મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦ ટકા પાણીકાપ લાધ્યો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી જળાશયો આવેલાં છે એ થાણે જિલ્લામાં ભરપૂર વરસાદ થવાથી સાતમાંથી ચાર જળાશય છલકાઈ ગયાં હોવાથી મુંબઈની પાણીની ચિંતા ટળી છે.

દોઢેક કરોડની વસતિ ધરાવતા મુંબઈને વર્ષ દરમ્યાન ૧૪,૪૭,૩૬૩ એમએલડી પાણીની જરૂર રહે છે. અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી વગેરે સાત તળાવમાં ચોમાસા દરમ્યાન પાણીનો આટલો જથ્થો થઈ જાય તો મુંબઈને પાણીની ચિંતા નથી રહેતી.

આ વર્ષે મોડક સાગર, તુલસી, વિહાર અને તાનસા જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, જ્યારે બાકીનાં ભાતસા, અપર અને મિડલ વૈતરણા જળાશયો પણ ગમે ત્યારે છલકાવાની શક્યતાં છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી હોવાથી તમામ જળાશયોમાં પૂર્ણ ક્ષમતાનો પાણીનો સંગ્રહ થઈ જવાની શક્યતા છે. ગઈ કાલ સુધી આ જળાશયોમાં ૧૩,૧૫,૪૨૩ એમએલડી પાણી જમા થયું છે.

મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રની વાત કરીએ તો જૂન-જુલાઈમાં વરસાદની ઘટ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદે પૂરી કરી દીધી છે. વિદર્ભના ત્રણ જિલ્લા બાદ કરતાં આખા રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે.

mumbai mumbai news mumbai monsoon mumbai weather mumbai rains mumbai water levels