01 August, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)માં આ વર્ષે વરસાદ સતત નથી વરસ્યો, તેની અવરજવર ચાલતી હોય છે. ત્યારે મુંબઈકર્સને પાણીની ચિંતા સૌથી વધુ થાય છે. વરસાદ ઓછો આવે ત્યારે એમ થાય કે, મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો થશે કે નહીં! જોકે, આ વર્ષે મુંબઈકર્સને પાણીની સમસ્યા નહીં થાય. કારણકે, અત્યાર સુધીમાં મુંબઈના સાત જળાશયોમાં પાણીનો જથ્થો ૮૮.૬૫% છે.
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું સ્તર તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના ડેટા અનુસાર, શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો હવે ૮૮.૬૫% છે. ગુરુવાર (31 જુલાઈ)ના રોજ બીએમસી (BMC)ના જણાવ્યા અનુસાર, આ જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો ૧૨,૮૩,૧૨૩ મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના ૮૮.૬૫% ટકા છે.
શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં મોડક સાગર (Modak Sagar), વિહાર (Vihar) અને તુલસી (Tulsi) પહેલાથી જ ૧૦૦% ક્ષમતા પર છે. જ્યારે ભાત્સા (Bhatsa)માં ૮૫.૭૧%, અપર વૈતરણા (Upper Vaitarna)માં ૮૧.૬૭%, મધ્ય વૈતરણા (Middle Vaitarna)માં ૮૨.૪૬% અને તાનસા (Tansa)માં ૯૮.૪૯% પાણીનો સંગ્રહ છે. ભાત્સામાં સૌથી વધુ જીવંત સંગ્રહ છે, જેમાં ૬,૧૪,૫૯૫ મિલિયન લિટર પાણીનો સંગ્રહ છે.
શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૬૧ મીમી વરસાદ નોંધાયો છે, જેમાં બુધવારે સવારે ૭ વાગ્યાથી ગુરુવારે સવારે ૬ વાગ્યા સુધી ૭.૦ મીમી વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અપર વૈતરણા ડેમમાં પાણી છોડવાનું કામ ૫ જુલાઈએ શરૂ થયું હતું. જ્યારે મધ્ય વૈતરણાના દરવાજા ૭ જુલાઈએ ખોલવામાં આવ્યા હતા અને મોડક સાગરમાં પાણી ૯ જુલાઈએ ઓવરફ્લો થવા લાગ્યું હતું. તાનસા ડેમમાં પાણી ૨૩ જુલાઈએ ઓવરફ્લો થવા લાગ્યું હતું અને ભાત્સા ડેમના બધા દરવાજા ૨૫ જુલાઈએ ખોલવામાં આવ્યા હતા.
મુંબઈમાં આજની હવામાન આગાહી
ગુરુવારે, મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને શહેર અને ઉપનગરોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department - IMD)ના જણાવ્યા અનુસાર, મુંબઈમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સાથે શહેર અને ઉપનગરોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની ધારણા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવેલી ભરતીની આગાહી મુજબ, ગુરુવારે સાંજે ૪.૦૦ વાગ્યે ૩.૬૯ મીટર ઉંચી ભરતી આવવાની શક્યતા છે. ત્યારબાદ રાત્રે ૧૦.૦૭ વાગ્યે ૧.૪૯ મીટર ઉંચી ભરતી આવવાની શક્યતા છે. જ્યારે શુક્રવારે સવારે ૪.૪૦ વાગ્યે ૩.૨૯ મીટર ઉંચી ભરતી આવવાની આગાહી છે. ઉપરાંત આગામી નીચી ભરતી સવારે ૯.૫૭ વાગ્યે ૨.૩૭ મીટર ઉંચી આવશે.
બીએમસીએ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ અને મુસાફરોને હવામાન અને ભરતી-ઓટની સ્થિતિ વિશે અપડેટ રહેવાની સલાહ આપી છે.