મુંબઈ : 20 ટકા પાણીકાપ માટે તૈયાર થઈ જાઓ

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : 20 ટકા પાણીકાપ માટે તૈયાર થઈ જાઓ

ફાઈલ તસવીર

મુંબઈમાં પાણીની સમસ્યાના મંડાણ થઈ ગયા છે અને શહેરને પાણી પૂરું પાડનારાં પ્રાથમિક સ્રોત એવાં જળાશયોના કૅચમેન્ટ એરિયામાં અપૂરતા વરસાદને ધ્યાનમાં રાખીને પહેલી ઑગસ્ટથી પાણી પર ૨૦ ટકા કાપ મૂકવામાં આવે એવી શક્યતા છે. આ વિશેની દરખાસ્તની મ્યુનિસિપલ કમિશનર સ્તરે ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે વર્તમાન સમયમાં કુલ પૈકીની માત્ર ૩૩ ટકા સ્ટૉરેજ ક્ષમતા ઉપલબ્ધ છે અને આ જથ્થો માત્ર ત્રણ મહિના જ ચાલશે.

‘મિડ-ડે’એ ૨૩ જુલાઈના રોજ પાણી પરના સંભવિત કાપ વિશેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે માટેની દરખાસ્ત હાઇડ્રોલિક એન્જિનિયર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સુપરત કરવામાં આવી છે.

બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘બે મહિના પછી પણ જળાશયોનું પાણીનું સ્તર ખાસ ઊંચું ગયું નથી અને એ મોટી ચિંતાનો વિષય છે. અમને આશા છે કે આગામી બે મહિનામાં પરિસ્થિતિમાં સુધારો થશે, પણ એની આશાએ બેસી ન રહી શકાય.’

અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે પહેલી ઑગસ્ટથી પાણી પર ૨૦ ટકા કાપ મૂકવામાં આવે એવી શક્યતા છે.

ચોમાસા દરમિયાન પાણીકાપનો સામનો કરવાનો શહેરનો આ પ્રથમ અનુભવ નથી. ૨૦૧૪ અને ૨૦૧૫માં બીએમસીએ જુલાઈ મહિનામાં ૨૦ ટકા પાણીકાપની જાહેરાત કરી હતી. છેલ્લે ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના રોજ પાણી પર કાપ મુકાયો હતો અને ૧૦ ટકા કાપની સ્થિતિ જુલાઈ ૨૦૧૯ સુધી ચાલુ રહી હતી.

જળસંગ્રહની વર્તમાન સ્થિતિને કારણે પાણી પર કાપ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.
- પી. વેલારાસુ, બીએમસીના ઍડિશનલ કમિશનર

mumbai rains mumbai news mumbai water levels mumbai monsoon prajakta kasale