ત્રીજી અને ચોથી જૂને શહેરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

01 June, 2020 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રીજી અને ચોથી જૂને શહેરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

પ્રતીકાત્મક તસવીર

આજે સવારે નવી મુંબઈ, થાણે, મિરા-ભાયંદર સહિત મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદે હાજરી પુરાવી હતી. હવે આગામી દિવસોમાં મુંબઈરાંને ભારે વરસાદનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં પહેલી જૂનથી ચોથી જૂન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તેમજ ત્રીજી અને ચોથી જૂને મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે પાલઘરમાં ત્રીજી અને ચોથી જૂને અતિભારે વરસાદની આગાહી હોવાથી ચેતવણી આપવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કેરળમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હોવાથી રાજ્યના નવ જીલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભારતીય હવામાન વિભાગ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે બીજા તબક્કાનું લોન્ગ રેન્જ ફૉરકાસ્ટ (એલઆરએફ) જાહેર કરશે. આઈએમડીએ આગાહી કરી હતી કે ચોમાસાની શરૂઆત કેરળમાં પહેલી જૂને, ચેન્નઈમાં ચોથી જૂને, હૈદ્રાબાદમાં આઠમી જૂને, પુણેમાં 10 જૂને, મુંબઈમાં 11 જૂને અને દિલ્હીમાં 27 જૂને થશે.

ગોવાના દરિયા કિનારે 48 કલાક માટે સ્વિમિંગ પર પ્રતિબંધ

તસવીર સૌજન્ય: એએફપી

ગોવામાં ચોમાસા પૂર્વના વરસાદને ધ્યાનમાં રાખીને દરિયાકિનારે 48 કલાક માટે સ્વિમિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેલ્ફી પાડવા માટે કે પછી ફોટોશૂટ કરવા માટે પ્રવાસીઓએ કિનારા પાસે, પથ્થરવાળા વિસ્તારમાં, ખડકો પર, પહાડ પર જવાનું ટાળવું તેવી સલાહ પણ આપવામાં આવી છે.

દરિયાકાંઠે પાણીનો પ્રવાહ ઝડપી હશે તેમજ દરિયાના મોજા 2.8 મીટર કરતા વધુ ઉંચાઈએ ઉછળવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે, ખાનગી બીચ મેનેજમેન્ટ કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આ ચેતવણી આપવામાં આવી હતી.

mumbai mumbai news mumbai rains mumbai monsoon goa