મુંબઈમાં વરસાદ: વિરાર અને મુલુંડમાં અમીછાંટણાં

31 May, 2020 08:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં વરસાદ: વિરાર અને મુલુંડમાં અમીછાંટણાં

વરસાદના આગમનની તૈયારીઓ : કોરોનાના કારણે રાજ્ય સરકાર લૉકડાઉનને લંબાવે એવી શક્યતા છે. બીજી તરફ કુદરત એનું કાર્ય નિયમાનુસાર કરી રહ્યું છે. શહેરમાં વરસાદના આગમનનો માહોલ જામતો જાય છે. બાંદરા નજીક આકાશમાં છવાયેલા વાદળાઓ નજરે પડે છે. તસવીર : શાદાબ ખાન

ઇન્ડિન મેટેરિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (વેધશાળા) દ્વારા હાલમાં જ બુધવારે કહેવાયું હતું કે શનિ, રવી સુધીમાં દક્ષિણ–પશ્ચિમ અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાઈ શકે છે અને એને કારણે મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદ અથવા વાવાઝોડું ત્રાટકી શકે છે. એમ છતાં એ મુંબઈને ન ધમરોળતાં ગુજરાત તરફ ફંટાય એવી શક્યતાઓ દર્શાવાઈ હતી. જોકે હવે મુંબઈને માથેથી એ ખતરો ટળી ગયો છે, કારણ કે શનિવાર સાંજ સુધી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો જ ન બની શકતાં ચક્રવાત કે વાવાઝોડું બની શક્યું નથી. એથી મુંબઈગરાઓ અને ગુજરાતના દરિયા કિનારે રહેતી જનતાએ ડર રાખવાની જરૂર નથી.

આઇએમડી મુંબઈના ડિરેક્ટર વી. કે. રાજીવે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આશંકા હતી કે હળવા દબાણનો પટ્ટો સર્જાશે, પણ એવો પટ્ટો જ ન બનતાં હવે વાવાઝોડાનો કોઈ ખતરો નથી.’

મે મહિનો પૂરો થઈ રહ્યો છે અને જૂનની શરૂઆત થતાં જ મુંબઈગરા વરસાદની રાહ જોવા માંડે છે. કેટલાંક વર્ષો પહેલાં મુંબઈમાં ૭ જૂન એ વરસાદની ફિક્સ તારીખ રહેતી, એ તારીખે વરસાદ આવતો જ પણ હવે એવું નથી. જોકે એમ છતાં કોલાબા વેધશાળાના જણાવ્યા અનુસાર પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીઓ ચાલુ થઈ ગઈ છે અને વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે વિરાર બેલ્ટ અને મુલુંડમાં વરસાદનું ઝાપટું પડતાં લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. જોકે એ પછી તરત તડકો નીકળતાં બફારાના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. એ સિવાય હાલ વાદળિયું વાતાવરણ છવાયેલું હોવાથી પણ મુંબઈમાં ભારે બફારો જોવા મળ્યો છે.

કોલાબા વેધશાળાના જણાવ્યા મુજબ આવનારા સપ્તાહમાં પણ વાદળ છવાયેલાં રહેશે. મુંબઈ સહિતના નૉર્થ કોંકણ વિસ્તારમાં કેટલાંક ઠેકાણે વરસાદનાં ઝાપટાં પડી શકે છે, જ્યારે સાઉથ કોંકણ સહિત રાજ્યના ઇતર વિસ્તારોમાં છૂટાંછવાયાં ઝાપટાં પડે એવી શક્યતા છે. મુંબઈનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને મિનિમમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહેશે.

કેરળમાં ચોમાસાનું આગમનઃ સ્કાઇમેટનો દાવો

પ્રાઈવેટ વેધર એજન્સી સ્કાઈમેટે દાવો કર્યો છે કે ૩૦ મે(શનિવારે)ના રોજ ચોમાસાનું કેરળમાં આગમન થયું છે. ઈન્ડીયન મેટ્રોલોજિકલ વિભાગએ ચોમાસુ ૧ જૂને કેરળમાં પહોંચવાની આગાહી કરી હતી. જોકે તેના બે દિવસ પહેલા જ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી લીધી છે.

હવામાન વિભાગે એપ્રિલમાં કહ્યું હતું કે આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે. વિભાગના જણાવ્યા મુજબ, ૯૬થી ૧૦૦ ટકા વરસાદને સામાન્ય ચોમાસુ માનવામાં આવે છે. ગત વર્ષે તે ૮ દિવસ મોડું એટલે કે ૮ જૂને કેરળના સમુદ્ર તટ સાથે અથડાયું હતું. ભારતમાં જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી વરસાદ થાય છે.

mumbai news mumbai rains mumbai