Video:ક્યાંક પ્લેટફોર્મ થાય છે ફુવારા, તો ક્યાંક રસ્તા બન્યા નદી

02 July, 2019 02:50 PM IST  |  મુંબઈ

Video:ક્યાંક પ્લેટફોર્મ થાય છે ફુવારા, તો ક્યાંક રસ્તા બન્યા નદી

મુંબઈમાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈની હાલત ખરાબ છે. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ જાણે બેટમાં ફેરવાયું છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર પાણી જ દેખાઈ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો જાણે પાણીમાં છે. એમાંય સોમવારે મધરાતે પડેલા વરસાદે તો હાલત વધુ ખરાબ કરી છે. સોમવારે મધરાતે ખાબકેલા સાંબેલાધાર વરસાદને કારણે BMCએ જાહેર રજાનું એલાન કર્યું છે. પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય મુંબઈ અટક્યું નથી, માત્ર આ શહેર ધીમું પડ્યું છે.

વીડિયોમાં જુઓ કેવી છે મુંબઈની સ્થિતિ. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં 2 કલાક વરસાદ ખાબક્યા બાદ જ કમર સમાણાં પાણી ભરાઈ ગયા હતા. ગાડીઓ અડધી ડૂબી ગઈ હતી. રાતના અંધકારમાં વરસતા આકાશમાંથી જાણે સમસ્યા વરસી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સ્થાનિકોએ ફસાયેલા લોકોને મદદ કરી હતી.

તો વળી લોકો આવા વરસાદ વચ્ચે પણ પોતાના કામધંધે જઈ રહ્યા છે. પરંતુ લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે. રેલવે પ્લેટફોર્મ પર તો હાલત વધુ ખરાબ છે. એક તો રેલવે ટ્રેક પાણીમાં છે. અને બીજી તરફ મીરા રોડના પ્લેટફોર્મ પર પતરાં લીકેજ થઈ રહ્યા છે, જેને કારણે મુસાફરોને ખૂબ જ હાલાકી પડી રહી છે.

સાકીનાકામાં કથળેલી પરિસ્થિતિનો આ વધુ એક વીડિયો છે. સાકીનાકા પોલીસ સ્ટેશનમાં પણ વરસાદના પાણી ઘૂસી ચૂક્યા છે, જેને કારણે પોલીસને પોતાના મહત્વના કાગળિયા બચાવવાની મુશ્કેલી પડી રહી છે.

mumbai rains mumbai