મુંબઈમાં પાણી પૂરું પાડતાં જળાશયોમાં ત્રણ દિવસમાં ૧૨ દિવસનું પાણી જમા

07 July, 2019 09:45 AM IST  |  મુંબઈ

મુંબઈમાં પાણી પૂરું પાડતાં જળાશયોમાં ત્રણ દિવસમાં ૧૨ દિવસનું પાણી જમા

પ્રતિકાત્મ તસવીર

છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ શહેરના પાણી પૂરું પાડતાં થાણે જિલ્લામાં આવેલા સાતેય જળાશયોમાં સારો વરસાદ થતાં એમાં ૧૨ દિવસ ચાલે એટલું વધુ પાણી જમા થયું હતું. આ સાથે શનિવારની સવારે ૬ વાગ્યા સુધી જળાશયોમાં કુલ ૨,૧૬,૫૨૨ એમએલડી પાણી એકઠું થયું હતું, જે આખા વર્ષના કુલ પાણીના જથ્થાના ૧૪.૯૬ ટકા થાય છે.
થાણે જિલ્લામાં આવેલા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ કરતાં વધુ વરસાદ નોંધાવાની સાથે આસપાસના વિસ્તારમાં થયેલા સારા વરસાદને લીધે એમાં નવા પાણીની સારીએવી આવક થઈ હતી. જેથી મિડલ વૈતરણાની પાણીની સપાટીમાં નોંધપાત્ર ૧.૫૨ મીટર અને ભાત્સાની સપાટીમાં ૧.૫૨ મીટરનો વધારો થયો હતો. બાકીનાં જળાશયોમાં સામાન્ય વધારો થયો હતો.

તમામ જળાશયોમાં બુધવારે ૪૧૨૭, ગુરુવારે ૪૬૫૬ અને શુક્રવારે ૩૭,૯૫૩ મળીને કુલ ૪૬,૭૩૬ એમએલડી પાણીની આવક નોંધાઈ હતી. આ સાથે જળાશયોમાં શનિવારની સવારના ૬ વાગ્યા સુધી ૨,૧૬,૫૨૨ એમએલડી પાણી જમા થયું હતું. આટલા પાણીથી મુંબઈમાં ૫૪ દિવસ સુધી પાણીની સપ્લાય થઈ શકશે.

આ પણ વાંચોઃ દિવસના વરસાદમાં મુંબઈનાં જળાશયોમાં 7 દિવસ ચાલે એટલું પાણી એકઠું થયું 

 મુંબઈમાં શુક્રવારે સવારના ૮ વાગ્યાથી શનિવારે ૮ વાગ્યા સુધી કોલાબામાં ૫૪.૨ મિલિમીટર અને સાંતાક્રુઝમાં ૭૭.૮ મિલિમીટર વરસાદ નોંધાયો હતો, શનિવારે દિવસ દરમ્યાન છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

mumbai mumbai rains