મુંબઈ: હડતાળની ચીમકી આપનારાઓ સામે રેલવે લાલચોળ

21 October, 2020 11:14 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: હડતાળની ચીમકી આપનારાઓ સામે રેલવે લાલચોળ

મુંબઈ લોકલ

પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ ચૂકવવામાં વિલંબ સામે વિરોધ વ્યક્ત કરવા માટે ૨૨ ઑક્ટોબરે સમગ્ર દેશમાં બે કલાક ટ્રેન રોકો આંદોલન અને ૧૯૭૪ની યાદ અપાવે એવી હડતાળ પાડવાની ધમકી રેલવે-કર્મચારીઓનાં સંગઠનોએ આપી હતી, પરંતુ રેલવે મંત્રાલયે હડતાળ સંબંધી કાર્યવાહીઓ સામે લાલ આંખ કરી છે. રેલવે મંત્રાલયે ટ્રેડ યુનિયન્સની હડતાળ સંબંધી મીટિંગ્સમાં હાજરી આપનારા કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપી છે. રેલવે અધિકારીઓએ ગઈ કાલે લોઅર પરેલ સ્થિત વર્કશૉપ સહિત કેટલાંક ઠેકાણે યોજાયેલી હડતાળ સંબંધી મીટિંગ્સ-સભાઓમાં હાજરી આપનારા કર્મચારીઓની વિગતો પણ મગાવી હતી.

નૅશનલ રેલવેમેન્સ યુનિયનના જનરલ સેક્રેટરી વેણુ પી. નાયરે જણાવ્યું હતું કે ‘૧૬ ઑક્ટોબરે ઑલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનની સ્ટૅન્ડિંગ કમિટીની મીટિંગમાં પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસના મુદ્દાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ૨૦૧૯-૨૦૨૦ના નાણાકીય વર્ષ દરમ્યાન રેલવે તંત્રને મબલખ આવક કરાવવામાં કર્મચારીઓની અસાધારણ મહેનતનો મહત્વનો ફાળો હોવાનું વિગતો દ્વારા સ્પષ્ટ થયું હતું. કોવિડ-19ની પડકારભરી સ્થિતિમાં પણ રેલવે-કર્મચારીઓએ ખૂબ સારી કામગીરી બજાવીને ટાર્ગેટ્સ પૂરા કર્યા છે. પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ લાંબી લડત તેમ જ અનેક સિનિયર ટ્રેડ યુનિયનિસ્ટ્સના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનને કારણે પ્રાપ્ત સિદ્ધિ છે. એ બાબતે ૨૧ ઑક્ટોબર સુધીમાં રેલવે મંત્રાલય હકારાત્મક નિર્ણય ન લે તો ૨૨ ઑક્ટોબરે દેશભરમાં ટ્રેન રોકો આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૯૭૪ની રેલવે હડતાળમાં એ મુદ્દો અગ્રેસર હતો. એ વખતમાં કર્મચારીઓની લડતને કારણે ૧૯૭૯માં પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી હતી. ’

mumbai mumbai news coronavirus covid19 lockdown rajendra aklekar indian railways mumbai railways