બીજેપી ગુજરાતનાં રમખાણો માટે માફી માગે: નવાબ મલિક

04 March, 2021 08:41 AM IST  |  Mumbai | Agency

બીજેપી ગુજરાતનાં રમખાણો માટે માફી માગે: નવાબ મલિક

નવાબ મલિક

૧૯૭૫માં કટોકટી જાહેર કરવાનું પગલું અયોગ્ય હોવાની અને એ નિર્ણય એ વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂલ હોવાની કબૂલાત કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યા પછી બે દાયકા પહેલાંનાં ગુજરાતનાં રમખાણો માટે બીજેપીએ માફી માગવી જોઈએ એવી માગણી કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે કરી હતી. મંગળવારે રાહુલ ગાંધીએ ચાર દાયકા પહેલાં તેમનાં દાદી સ્વ. ઇન્દિરા ગાંધીનું દેશમાં કટોકટી લાદવાનું પગલું ભૂલભરેલું અને એ વખતની ઘટનાઓ અયોગ્ય હોવાનું જણાવ્યું હતું.

રાહુલ ગાંધીના એ બયાનના અનુસંધાનમાં ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા નવાબ મલિક અને કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ નાના પટોલેએ બીજેપી બાબતે ટિપ્પણી કરી હતી. સાઉથ મુંબઈમાં વિધાનભવનની બહાર પત્રકારોને સંબોધતાં નવાબ મલિકે જણાવ્યું હતું કે ‘૪૫ વર્ષ પછી રાહુલ ગાંધી કટોકટી લાદવાની ભૂલ કબૂલ કરે છે. કૉન્ગ્રેસ ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો માટે માફી માગી ચૂકી છે. હવે વીસ વર્ષ પહેલાંનાં ગુજરાતનાં રમખાણો અયોગ્ય અને ભૂલ હોવાની કબૂલાત કરવાનો બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વારો છે.’

રાહુલ ગાંધીના મંગળવારના બયાન બાબતે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું કે ‘રાહુલજીએ જૂની ભૂલ સ્વીકારીને કંઈ ગેરવાજબી કામ કર્યું નથી. એ તો તેમની નિખાલસતા અને ઉદારતા છે. ગુજરાતનાં રમખાણો માનવતા પર કલંક સમાન હતાં. બીજેપી અને નરેન્દ્ર મોદી એ માટે માફી માગશે?’

બીજેપીનું શું કહેવું છે?

કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની માગણીઓ બાબતે બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે લોકલાગણીને કચડીને કટોકટી લાદી હતી. ગુજરાતનાં રમખાણો સાવ જુદો વિષય છે. કટોકટી અને ગુજરાતનાં રમખાણો અસંબદ્ધ મુદ્દા છે. એ બે ઘટનાઓની સરખામણી ન કરી શકાય.’

mumbai mumbai news rahul gandhi bharatiya janata party indira gandhi