પ્રમોદ મહાજનની યાદમાં આર્ટ ગૅલેરી શરૂ કરવા 40 કરોડ ખર્ચવા સામે સવાલ

06 February, 2021 10:30 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

પ્રમોદ મહાજનની યાદમાં આર્ટ ગૅલેરી શરૂ કરવા 40 કરોડ ખર્ચવા સામે સવાલ

સ્વર્ગીય પ્રમોદ મહાજન આર્ટ ગૅલેરીનું ભૂમિપૂજન કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ.

મીરા-ભાઈંદરમાં અંદાજે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બીજેપીના સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજન આર્ટ ગૅલેરી બનાવવા માટેનું ભૂમિપૂજન ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. જોકે અહીં સરકારી કૉલેજ‍ નથી, નવી બંધાઈ રહેલી કોર્ટ માટે ભંડોળ નથી અને વિકાસનાં અનેક કામ ફન્ડને લીધે લટકેલાં છે ત્યારે એક નેતાના નામે આટલી મોટી રકમ ખર્ચવા સામે સવાલ કરાઈ રહ્યા છે. એક બિનસરકારી સંસ્થાએ તો પાલિકાના આરક્ષિત પ્લૉટમાં પાલિકાએ જાહેર કરેલા ઠરાવને રદ કરવાની માગણી સાથે આંદોલન પણ છેડ્યું છે. ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ મીરા રોડ પહોંચ્યા ત્યારે કૉન્ગ્રેસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

મીરા રોડના કાણ‌કિયા વિસ્તારમાં આવેલા પાલિકાના રિઝર્વ પ્લૉટ-નંબર ૩૦૦માં બીજેપીના સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનના નામે ૪૦ કરોડના ખર્ચે આર્ટ ગૅલેરી બાંધવા માટે સત્તાધારી બીજેપીએ પાલિકામાં બહુમતીના જોરે ઠરાવ મંજૂર કરાવ્યો હતો. આર્ટ ગૅલેરીના બાંધકામ માટે ગઈ કાલે વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે પ્રમોદ મહાજનનાં પુત્રી પૂનમ મહાજન, મીરા-ભાઈંદર બીજેપીના પ્રભારી અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા સહિતના નેતાઓ આ સમયે હાજર રહ્યા હતા. તેઓ મીરા રોડ પહોંચ્યા ત્યારે કૉન્ગ્રેસના ૨૦થી ૨૫ કાર્યકરોએ બીજેપી સરકારનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો.

એક તરફ આર્ટ ગૅલેરીનું ભૂમિપૂજન થયું હતું તો બીજી બાજુ ભાઈંદર (વેસ્ટ)માં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન નજીકની ફુટપાથ પર જિદ્દી મરાઠી પ્રતિષ્ઠાન નામની સંસ્થાના કાર્યકરો પાલિકા દ્વારા આર્ટ ગૅલેરી માટેના ખર્ચને બિનજરૂરી ગણાવીને ધરણાં પર બેઠા હતા.

આ સંસ્થાના પ્રદીપ જંગમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં ૧૦મા ધોરણ સુધીની સ્કૂલ નથી, કૉલેજ નથી, નવી બંધાઈ રહેલી કોર્ટમાં ફન્ડ નથી, સારી હૉસ્પિટલ નથી. બીજી બાજુ રાજકીય લાભ મેળવવા માટે સત્તાધારી સહિતના રાજકીય પક્ષો કરોડો રૂપિયા ફાળવીને લોકો સાથે અન્યાય કરી
રહ્યા છે.’

પત્રકારોએ કરેલા સવાલના જવાબમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ કહ્યું હતું કે ‘આર્ટ ગૅલેરીની સાથે બીજી સુવિધાઓ પણ ધીમે-ધીમે ઊભી કરાઈ રહી છે. આ માટેના ઠરાવ મંજૂર પણ કરી દેવાયા છે. આથી એમ ન કહી શકાય કે અમે લોકોને મૂળભૂત સુવિધાઓ નથી પૂરી પાડી રહ્યા.’

mumbai mumbai news devendra fadnavis mira road prakash bambhrolia