મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હવે આપણે ખોટો ટોલ ચૂકવી રહ્યા છીએ?

31 January, 2017 03:57 AM IST  | 

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હવે આપણે ખોટો ટોલ ચૂકવી રહ્યા છીએ?



સિલ્કી શર્મા


વાહનચાલકો પૂરતો ટોલ ચૂકવી ચૂક્યા છે, હવે ઉઘાડી લૂંટ બંધ કરો એવી વિનંતી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ટોલ-કલેક્શન સંબંધે ઍક્ટિવિસ્ટોનું એક જૂથ રાજ્ય સરકારને કરી રહ્યું છે.

ગઈ કાલે યોજાયેલી એક પત્રકાર-પરિષદમાં પ્રવીણ વાટગાંવકર, શ્રીનિવાસ ઘાણેકર, વિવેક વેલણકર અને સંજય શિરોધકર નામના ઍક્ટિવિસ્ટોએ દાવો કર્યો હતો કે ટોલ-ઑપરેટર IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો ૨૦૧૯નો ૨૮૬૯ કરોડ રૂપિયાના કલેક્શનનો ટાર્ગેટ ગયા વર્ષે ઑક્ટોબરના અંતમાં જ વટાવી ગઈ હતી. ઍક્ટિવિસ્ટોએ જણાવ્યું હતું કે ૨૦૧૬ના ડિસેમ્બર સુધીમાં ટોલપેટે ૨૯૨૩ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા અને એ સાથે ભાવિ કલેક્શનની જરૂરિયાત પણ પૂરી થઈ ગઈ હતી.

એક્સપ્રેસવે ૨૦૦૨માં સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો હતો. IRB એ ૯૧૦ કરોડ રૂપિયાના અપફ્રન્ટ પેમેન્ટ સામે ૨૦૧૯ના ઑગસ્ટ સુધીમાં ૨૮૬૯ કરોડ રૂપિયાના ટોલ-કલેક્શનનો કૉન્ટ્રૅક્ટ ૨૦૦૪માં મેળવ્યો હતો, પણ અમને મળેલા આંકડા મુજબ કંપની ટોલપેટે ૨૯૨૩ કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે એવું સંજય શિરોધકરે જણાવ્યું હતું.

પોતાનાં આ તારણો સંબંધે પગલાં લેવાનો આગ્રહ સરકારને કરવાના હેતુસર આ ઍક્ટિવિસ્ટોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ૧૮ જાન્યુઆરીએ એક પત્ર લખ્યો હતો અને એક્સપ્રેસવે પર ટોલ વસૂલવાની કામગીરી ૧૫ દિવસમાં બંધ કરવાની વિનંતી કરી હતી.

સંજય શિરોધકરે કહ્યું હતું કે ટોલ કૉન્ટ્રૅક્ટરનો કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં નહીં આવે તો પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ અમે રાજ્ય સરકાર સામે હાઈ કોર્ટમાં ધા નાખીશું એવી ચેતવણી અમે રાજ્ય સરકારને આપી હતી.

ઍક્ટિવિસ્ટોએ કરેલી તપાસનાં તારણો RTI ઍક્ટ હેઠળની અરજીઓના જવાબો તથા એક્સપ્રેસવેનું કામકાજ સંભાળતી MSRDCની વેબસાઇટ પર આધારિત છે.

ટોલ-કલેક્શનનો ટાર્ગેટ પૂરો થઈ જાય એ પછી શું થશે એનો કોઈ ઉલ્લેખ MSRDC અને IRB વચ્ચેના કૉન્ટ્રૅક્ટમાં ક્યાંય નથી.

IRB કહે છે કે તારણો ખોટાં

IRBના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પ્રવર્તમાન કન્સેશન ઍગ્રીમેન્ટના આધારે ટોલ-કલેક્શન કરવામાં આવે છે. ૧૫ વર્ષના કલેક્શનની કુલ રેવન્યુની ગણતરી ટ્રાફિકમાં ધારણા અનુસારની વૃદ્ધિ તેમ જ સરકારે નક્કી કરેલા દર પર આધારિત છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલાં લાંબા ગાળાનાં જોખમોને ધ્યાનમાં લેતાં આ ઉદ્યોગની પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસાર આ કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં બ્રેક ઈવન માટે ૭થી ૯ વર્ષનો સમય લાગતો હોય છે. રિકવરી થઈ ચૂકી છે એવું ધારવું એ સંપૂર્ણપણે ખોટું છે.’