FYJC ઑનલાઇન ઍડ્‌મિશનમાં પ્રૉબ્લેમ્સ

03 August, 2020 10:47 AM IST  |  Mumbai | Pallavi Smart

FYJC ઑનલાઇન ઍડ્‌મિશનમાં પ્રૉબ્લેમ્સ

પ્રતીકાત્મક તસવીર

ઢગલાબંધ સમસ્યાઓને કારણે ૧૧મા ધોરણ એટલે કે ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (FYJC)માં ઑનલાઇન ઍડ્મિશનની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયે ગયા શનિવારે લૉન્ચ કરેલી વેબસાઇટ સાવ ધીમી હોવાથી વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતા માટે ઍડ્મિશનની કાર્યવાહીમાં મુશ્કેલી સિવાય કાંઈ હોતું નથી. ફૉર્મ સબમિટ કરતાં કલાકો વીતી જાય છે. ખાસ કરીને કોરોના-રોગચાળાના માહોલમાં ૧૧મા ધોરણના ઍડ્મિશન માટે ઑનલાઇન સિસ્ટમ સિવાય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. ઇન્ફર્મેશન બુકલેટથી ફી ભરવા સુધીની તમામ કાર્યવાહી ઑનલાઇન કરવાની રહે છે. ડિરેક્ટર ઑફ સેકન્ડરી એજ્યુકેશન દિનકર પાટીલે વેબસાઇટ ધીમી હોવા સહિત સમસ્યા હોવાનું કબૂલ્યું છે.



શનિવારે લૉન્ચ કરવામાં આવેલી વેબસાઇટ બપોરે ૩ વાગ્યાથી અરજદારો માટે ખોલવામાં આવી હતી, પરંતુ પ્રોસેસના દરેક સ્ટેજ પર એરર્સ આવતું હોવાથી ફૉર્મ ભરી શકાતાં નથી. દાદરના રહેવાસી કિશોર લઘાટેએ જણાવ્યું કે ‘શનિવારે બપોરે વેબસાઇટ લૉન્ચ કરાયા બાદ ૩.૩૦ વાગ્યે અમે ઍડ્મિશન-ફૉર્મ ભરવાની શરૂઆત કરી હતી, પરંતુ દરેક પેજ અને દરેક સ્ટેજ પર એરર્સ આવતું હોવાથી રાતે ૯.૩૦ વાગ્યે પણ કામ પૂરું થયું નહોતું.

એરર આવતાં દરેક વખતે એકડેએકથી શરૂઆત કરવી પડતી હતી. શનિવારની પ્રવૃત્તિનું અનુસંધાન ગઈ કાલે પણ ચાલ્યું હતું. પ્રોસેસ પૂરી કરવા માટે મેં, મારા દીકરાએ અને મારી પત્નીએ વારા બાંધ્યા હતા, પરંતુ કાર્યવાહી આગળ વધતી જ નહોતી.’

ચેમ્બુરના રિતેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે ‘એક પછી બીજું પેજ લોડ કરતાં ઘણો સમય લાગતો હતો. વેબસાઇટ વારંવાર ક્રૅશ થતી હતી અને વારંવાર એરર આવતું હતું. અનેક વિદ્યાર્થીઓ અને માતા-પિતા વેબસાઇટની પરેશાનીની વ્યથા સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઠાલવતાં હતાં. ફૉર્મ ભરવાનું શરૂ કર્યા પછી ફી ભરવાના તબક્કા સુધી પહોંચતાં પાંચ કલાક લાગ્યા હતા. અમે ફી ચૂકવી દીધા પછી બૅન્કમાંથી ડેબિટ મેસેજ આવતો હતો, પરંતુ વેબસાઇટ પર પેમેન્ટ બાકી હોવાની સૂચના આવતી હતી.’

pallavi smart mumbai mumbai news