મુંબઈ : નોકરીના નામે છેતરપિંડીના આરોપસર મહિલા સહિત ચારની ધરપકડ કરાઈ

25 August, 2019 10:14 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ : નોકરીના નામે છેતરપિંડીના આરોપસર મહિલા સહિત ચારની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

એક જાણીતી જૉબ ઑફર કરતી વેબસાઈટના માધ્યમથી નોકરી આપવાને નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે તાજેતરમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ એક જાણીતી વેબસાઈટ પાસેથી ડેટા વેચાતા લઈને ફ્રી સ્કાય લક્ઝરી ટ્રાવેલ સૉલ્યુશન્સ નામની કંપની ખોલીને યુવાનોને મોટી કંપનીમાં જૉબની ઑફર કરતા હતા. એમની પાસેથી ૧૯ મોબાઈલ, જુદ‌ી જુદી મોબાઈલ કંપનીના ૨૨ સીમકાર્ડ, ૧ લૅપટૉપ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ માટુંગામાં રહેતા યોગેશ રાઠોડે ૨૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેણે નોકરી મેળવવા માટે quikr.com નામની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં થોડા દિવસોમાં એને જુદા જુદા મોબાઈલ નંબર પરથી ફોન આવવાની શરૂઆત થઈ હતી, જેમાં ઈન્ડિગો ઍરલાઈન્સમાં ટિકિટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી કરાઈ હોવાનું કહેવામાં આવ્યું હતું.

બાદમાં ઈન્ટરવ્યુ અને ઈન્શ્યોરન્સ કાઢવા સહિતની બાબતો માટે ફરિયાદી પાસેથી ૧,૩૦,૦૦૦/- રૂપિયા જુદાં જુદાં બૅન્ક ખાતામાં લેવામાં આવ્યા હતા. રૂપિયા મળ્યા બાદ અજાણ્યા આરોપીઓએ મોબાઈલ બંધ કરી દીધા હતા. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તપાસ કરતાં આરોપીના મોબાઈલ નંબર પર એના પર દેશભરમાંથી ફોન આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. બૅન્કની ડિટેલ ચેક કરતાં એમાં પણ ભારતભરમાંથી રકમ જમા થઈ હતી.

બૅન્ક ખાતાં અને મોબાઈલને આધારે પોલીસે ૧૪ ઑગસ્ટે એક મહિલાની ઉત્તર પ્રદેશના રામપુરમાંથી ધરપકડ કરી હત‌ી. એની પૂછપરછમાં તે પોતાના સાથીઓ સાથે મળીને નોઈડા અને દિલ્હી ખાતેથી લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનું કબૂલ્યું હતું.

માટુંગા પોલીસ સ્ટેશનની ટીમે બાદમાં ૨૦ ઑગસ્ટે નોઈડાના સેક્ટર-૪ ખાતેની ઑફિસમાં ચાલતા કૉલ સેન્ટરમાં દરોડો પાડીને અહીં ૧૫ લોકો કૉલ સેન્ટર ચલાવતા હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચો : શહેરમાં દહીહંડીની ઉજવણી ફિક્કી રહી એકનું મોત, એકાવન ઘાયલ

આમાંથી પોલીસે દિલ્હીના ૨૨ વર્ષના અંકુર સિંહ, ૨૪ વર્ષના અમનકુમાર સિંહ અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ૨૬ વર્ષના શેહજાદ કમબૂલની પણ બાદમાં ધરપકડ કરી હતી.

mumbai mumbai news Crime News