મુંબઈ : પાવર કટ થતાં ગોરાઈનાં દર્દીનું ઑક્સિજન બંધ પડ્યું

13 October, 2020 07:17 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ : પાવર કટ થતાં ગોરાઈનાં દર્દીનું ઑક્સિજન બંધ પડ્યું

કોવિડની સારવાર બાદ ઘરે ઑક્સિજન લેતાં વૈજન્તી જાધવ

મુંબઈમાં ગઈ કાલે અચાનક વીજળીની સપ્લાય કપાઈ જતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બોરીવલીના ગોરાઈમાં રહેતા એક ૭૦ વર્ષના પેશન્ટની હાલત ઑક્સિજનનું સિલિન્ડર ન મળવાને લીધે ખરાબ થઈ ગઈ હતી. મંડપ ડેકોરેટર પાસેથી જનરેટર લાવીને ઑક્સિજનનું સિલિન્ડર ચાલુ કરાવીને દર્દીને ઑક્સિજન અપાયું હતું. ગોરાઈમાં રહેતાં કોરોના પૉઝિટિવ પેશન્ટ વૈજયન્તી જાધવની સારવાર એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ચાલી રહી છે. તેમના પુત્ર ભીવા જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૧ દિવસ હૉસ્પિટલમાં સારવાર કરીને ચાર દિવસ પહેલાં મમ્મી ઘરે આવ્યાં હતાં. તેમનું ઑક્સિજન લેવલ ઓછું હોવાથી હું ૧૩,૦૦૦ રૂપિયાના ભાડા પર મળતું ઇલેક્ટ્રિક પર ચાલતું ઑક્સિજન મશીન લઈને આવ્યો હતો. લાઇટ કટ થતાં મશીન કઈ રીતે ચાલશે એની ચિંતામાં અમે મુકાઈ ગયા હતા. ઑક્સિજન બાટલાની ડિમાન્ડ એકદમ વધી ગઈ હોવાથી મિત્રનું મંડપ ડેકોરેશનનું કામ છે એની પાસેથી જનરેટર લઈ આવ્યો હતો. જોકે એમાં ઇંધણ ન હોવાથી પેટ્રોલ પંપ પર ગયો હતો. જોકે એ બંધ હોવાથી આસપાસના લોકોનાં બાઇક કે અન્ય વાહનોમાંથી ચાર લિટર ઇંધણ મેળવીને જનરેટર ચાલુ કર્યું હતું. એ શરૂ થયા બાદ મમ્મીને રાહત થઈ હતી. દોઢ વાગ્યાની આસપાસ વીજળી આવી ગઈ હતી.’ આવી જ રીતે મુંબઈ તથા આસપાસમાં કોવિડની સારવારમાં જેમને ઑક્સિજન લેવાની જરૂર છે એવા અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું.

lockdown coronavirus covid19 preeti khuman-thakur mumbai mumbai news brihanmumbai electricity supply and transport