ઘાટકોપરમાં વેન્ટીલેટર ચલાવવા કાર્ડિયેક એમ્બ્યુલન્સ બોલાવવી પડી

13 October, 2020 07:17 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરમાં વેન્ટીલેટર ચલાવવા કાર્ડિયેક એમ્બ્યુલન્સ બોલાવવી પડી

પોતાના ફ્લૅટમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા ચેતન શાહ.

ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા ચેતન શાહને તેમના જ ફ્લૅટમાં છેલ્લાં ત્રણ વર્ષથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગઈ કાલે મુંબઈમાં લાઇટ બંધ થઈ ગઈ હતી ત્યારે તેમના પરિવારના અથાક પ્રયત્નો પછી પણ જનરેટર મળ્યું નહોતું એથી તેમને ૯ કલાક સુધી સુવિધાજનક ઍમ્બ્યુલન્સ ઊભી રાખીને વેન્ટિલેટર ચલાવવું પડ્યું હતું.

ચેતનના કઝિન કીર્તિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેતન છેલ્લાં ત્રણ વર્ષથી જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. તેને શરીરની નસો સુકાઈ જવાની બીમારી છે. શરૂઆતમાં અમે તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો, પણ ત્યાંનાં તોતિંગ બિલ અને લાંબી સારવાર હોવાથી અમે તેના ફ્લૅટમાં જ હૉસ્પિટલ જેવી સુવિધા ઉપલબ્ધ કરી હતી જ્યાં તેને ૨૪ કલાક વેન્ટિલેટર પર રાખ્યો છે. ત્યાં એક વ્યક્તિ તેની સાથે રહીને સતત તેનું ધ્યાન રાખે છે.’

ગઈ કાલ બાબતે કીર્તિ શાહે કહ્યું હતું કે ‘વેન્ટિલેટરની બૅટરી વધારેમાં વધારે એક કલાક ચાલી શકે. ત્યાર બાદ એને જનરેટરથી ચલાવવું પડે. અમારો પરિવાર, મહાનગરપાલિકા સહિત અમારા ગ્રુપના બધાએ વેન્ટિલેટર શોધવા અથાક પ્રયત્ન કર્યા, પણ અમે વેન્ટિલેટર મેળવવામાં નિષ્ફળ રહ્યા. આથી અમારે કાર્ડિઍક પેશન્ટ માટેની ઍમ્બ્યુલન્સ ૯ કલાક સુધી ભાડે રાખવી પડી હતી. આ ઍમ્બ્યુલન્સમાંથી કનેક્શન લઈને અમે બીજે માળના અમારા ફ્લૅટમાં વેન્ટિલેટર વર્કિંગમાં રાખ્યું હતું. આ અગાઉ ચોમાસામાં બે વાર અમારી સોસાયટીની લાઇટ બંધ થઈ ગઈ હતી. એ સમયે અમે બાજુના બિલ્ડિંગમાંથી લાઇટની લાઇન લઈ રાખી છે. બન્ને બિલ્ડિંગના ફેઝ અલગ હોવાથી અમને સમસ્યા આવી નહોતી. ગઈ કાલે સમગ્ર મુંબઈની લાઇટ વેરણ થવાથી અમે ખૂબ ટેન્શન માં આવી ગયા હતા. ભગવાનની કૃપાથી ૯ કલાકે અમે ટેન્શનમુક્ત થયા હતા.’

mumbai mumbai news ghatkopar coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation