મુંબઈ: વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવા માટે પવઈની સ્કૂલ તૈયાર થઈ

19 August, 2020 10:46 AM IST  |  Mumbai | Anurag kamble

મુંબઈ: વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવા માટે પવઈની સ્કૂલ તૈયાર થઈ

વિરોધ પ્રદર્શન બાદ સ્કૂલના ટ્રસ્ટીને મળતાં વાલીઓ તથા એમએનએસના નેતાઓ. તસવીર : રાજેશ ગુપ્તા

ફીની રકમ બાબતે વાંધા દર્શાવનારા વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરનારી પવઈની ગોપાલ શર્મા સ્કૂલે એમને ફીમાં રાહત આપવા વિશે પછીથી ચર્ચા કરવાનું નક્કી કરીને વિદ્યાર્થીઓને ફરી ભણાવવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે કેટલાક વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા પછી એ સ્કૂલના સંચાલકોએ ઉપરોક્ત નિર્ણય લીધો હતો.

સ્કૂલની સંપૂર્ણ ફીમાં લાઇબ્રેરી તથા એક્સ્ટ્રા કરીક્યુલર ઍક્ટિવિટીઝ જેવી બાબતો માટે જે રકમોનો સમાવેશ છે એની બાદબાકી કરવાની માગણી પેરન્ટ્સે કરી હતી. પેરન્ટ્સનું કહેવું હતું કે લાઇબ્રેરી અને એક્સ્ટ્રા કરીક્યુલર ઍક્ટિવિટીઝ જેવી જે ફેસિલિટીઝ મળી ન હોય એની ફી લેવી ન જોઈએ. એ કારણે એ સ્કૂલે પાંચમી ઑગસ્ટથી પહેલા ધોરણથી દસમા ધોરણ સુધીના ૩૫૦ વિદ્યાર્થીઓને ભણાવવાનું બંધ કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓનાં માતા-પિતાની એ માગણી બાબતે અખબારોમાં અહેવાલો પ્રગટ થયા પછી સ્કૂલે જેમનું ઑનલાઇન શિક્ષણ બંધ કર્યું હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૦ ઉપર પહોંચી હતી.

સ્કૂલના વિદ્યાર્થીઓના પેરન્ટ્સના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ‘પાંચમી ઑગસ્ટથી અત્યાર સુધીમાં અમે સ્કૂલના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી જોડે અમારી માગણી વિશે ચર્ચા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ એમણે અનિચ્છા દર્શાવી હતી. અમે સાવ ફી ભરવાની ના પાડતા નથી. અમે લાઇબ્રેરી અને એક્સ્ટ્રા કરીક્યુલર ઍક્ટિવિટીઝ જેવી જે ફેસિલિટીઝ ન મળી હોય એની ફી ભરવાની ના પાડી હતી. અમે પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીને મળવા માટે સ્કૂલમાં ગયા છતાં કોઈ અમને મળવા તૈયાર નહોતા. એથી અમે ગઈ કાલે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.’

ગઈ કાલના વિરોધ પ્રદર્શન વિશે ૧૪ ઑગસ્ટે જાહેરાત કર્યા પછી સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. ગૂલ ઘડિયાલીએ સર્ક્યુલર બહાર પાડીને અમને જુલાઈ અને ઑગસ્ટ મહિનાની ફી ભરવા જણાવ્યું હતું. સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ફી વગર સ્કૂલનો કારભાર ચલાવવો મુશ્કેલ બન્યો છે. પવઈની એક પણ સ્કૂલે ફી ઘટાડી નથી. વિરોધ પ્રદર્શન ઇચ્છનીય નથી. એવું કરવાથી વિદ્યાર્થીઓ પર અયોગ્ય અસર પડી શકે. કેટલાક લોકો વ્યક્તિગત હેતુસર પેરન્ટ્સને ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

anurag kamble powai mumbai mumbai news lockdown coronavirus covid19