ખાડા કેમ પુરાતા નથી, ખબર છે?

22 September, 2022 09:05 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોલ્ડ મિક્સ બીએમસીએ ઑગસ્ટમાં જ વાપરી નાખ્યું છે અને એના માટે ફાળવાયેલાં ભંડોળનો પણ ઉપયોગ કરી લીધો હોવાથી મુંબઈગરાએ તો હજી ખાડા સાથે જ જીવવાનું છે એ તો નક્કી છે

ભાઉચા ધક્કા, માઝગાવમાં ખાડાઓથી ભરેલો રસ્તો (તસવીર : પ્રદીપ ધિવાર)

સુધરાઈએ ઑગસ્ટ મહિનામાં જ એની પાસેનું કોલ્ડ મિક્સ વાપરી નાખ્યું હતું તેમ જ એણે આ માટે ફાળવાયેલા ભંડોળનો પણ ઉપયોગ કરી દીધો હોવાથી બીએમસી રસ્તા પરના ખાડાઓ પૂરવાનું કામ નથી કરી રહી એમ જાણવા મળ્યું છે. કેટલાક વૉર્ડના અધિકારીઓએ વધારાના ફન્ડ માટે અરજી કરી હોવાનો પણ દાવો કર્યો છે. વધુમાં બીએમસીને કૉન્ટ્રૅક્ટર્સ પાસેથી નવી ટેક્નિકથી રસ્તાઓ રિપેર કરવા બદલનો કોઈ પ્રતિભાવ પણ નથી મળ્યો. પોતાની પાસે કોલ્ડ મિક્સ ન હોવાને કારણે વૉર્ડના રસ્તાના સમારકામ માટે બીએમસી દ્વારા નિયુક્ત કરાયેલા કૉન્ટ્રૅક્ટર્સ પર આધાર રાખી રહી છે.

દરેક ચોમાસા પહેલાં બીએમસી રસ્તાઓના સમારકામ માટે એના વરલી પ્લાન્ટમાં કોલ્ડ મિક્સનું ઉત્પાદન કરીને તમામ ૨૪ વૉર્ડમાં એની વહેંચણી કરે છે તેમ જ ૭ ઝોનમાં વહેંચાયેલા ૨૪ વૉર્ડને પ્રત્યેક ઝોન માટે અલગ બજેટની ફાળવણી કરી રસ્તાના રિપેરિંગ માટે  કૉન્ટ્રૅક્ટર્સ પણ નીમે છે.

બીએમસીનું કોલ્ડ મિક્સ

વરલી પ્લાન્ટમાં આ વર્ષે ૨૧૫૦ ટન કોલ્ડ મિક્સનું ઉત્પાદન કરાયું હતું, જેની સામે પ્રત્યેક વૉર્ડમાંથી મળીને કુલ માગ ૩૦૦૦ ટનની છે. બીએમસીએ જૂન મહિના પહેલાં ૧૫૦૦ ટન કોલ્ડ મિક્સની વહેંચણી કરી હતી. રિઝર્વમાં રાખવામાં આવેલું કોલ્ડ મિક્સ પણ ઑગસ્ટ મહિના સુધીમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

બીએમસીના કર્મચારીએ જણાવ્યું હતું કે તેમણે રસ્તાઓ વિશે ફરિયાદ મળ્યા બાદ ખાડાઓ ભરવામાં કોલ્ડ મિક્સનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વરસાદને કારણે થોડા જ સમયમાં રસ્તાઓ પર પાછા ખાડા પડી જતાં એનો ઉપયોગ યથાર્થ ઠર્યો નહોતો.

વરસાદની સીઝનમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી કોલ્ડ મિક્સનું ઉત્પાદન અને સંગ્રહ સૂકા દિવસોમાં કરવામાં આવે છે. જૂન પહેલાં વહેંચવામાં આવેલું તેમ જ સંગ્રહ કરી રખાયેલું કોલ્ડ મિક્સ ઑગસ્ટમાં પૂરું થઈ ગયું હોવાનું બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું. એનો અર્થ એ છે ઑગસ્ટ મહિનાથી બીએમસીના કર્મચારીઓ ખાડાઓ પૂરી શક્યા નથી તથા કૉન્ટ્રૅક્ટર્સ પર આધાર રાખીને બેઠા છે.

બીએમસીના એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે ‘અમે કોલ્ડ મિક્સની માગણી કરતાં અમને ખાડાઓ ભરવા માટે કૉન્ટ્રૅક્ટર્સને બોલાવવા જણાવાયું હતું, પરંતુ વરસાદની સીઝનને કારણે તેમને પણ મટીરિયલ (કોલ્ડ મિક્સ) મેળવવામાં તકલીફ પડી રહી હતી. વરસાદનું જોર હજી ઓસર્યું ન હોવાથી રસ્તાઓ વધુ બગડી રહ્યા છે.’

કૉન્ટ્રૅક્ટર્સ

આ વર્ષે બીએમસીએ કૉન્ટ્રૅક્ટર્સની નિમણૂક કરી પ્રત્યેક સાત ઝોનમાં રસ્તાઓના સમારકામ માટે ૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ચોમાસું હજી બાકી હોવાથી અનેક ઝોનમાં બજેટ ઊંચું ગયું છે.

વધુમાં સુધરાઈએ જુલાઈમાં ઝડપી સખત કૉન્ક્રીટ અને જીઓ-પૉલિમર સૉલ્યુશન જેવી નવી ટેક્નિકનો ઉપયોગ કરવા માટે વધારાના ૭ કરોડ રૂપિયાનાં ટૅન્ડરો બહાર પાડ્યાં હતાં. જોકે અજમાવવામાં આવેલી ત્રણેય નવી પદ્ધતિઓ અસફળ સાબિત થઈ હતી. રસ્તાની જવાબદારીનાં ૧૫ વર્ષ પૂરાં થયા બાદ જ કૉન્ટ્રૅક્ટરને ચુકવણીની બાકી નીકળતી ૫૦ ટકા રકમ મળશે એવી શરતને કારણે સુધરાઈનાં ટેન્ડર્સને પ્રતિસાદ સાંપડ્યો નહોતો. 

વધુ ભંડોળની જરૂર

બીએમસીના વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું કે ‘અમે હવે વધારાના બજેટ માટે અરજી કરવાની શરૂઆત કરી દીધી છે. ખાડાઓથી ભરેલા રસ્તાઓ મુસાફરોનું જીવન દુષ્કર  બનાવે છે. નાગરિકોને પડતી તકલીફને અમે સમજીએ છીએ, પરંતુ કાર્ય પૂરું કરવા માટે થોડા દિવસ સૂર્યનો તાપ મળવો જરૂરી છે.’

એક વૉર્ડ ઑફિસરે કહ્યું હતું કે ‘શહેરના ૨૦૫૦ કિલોમીટર રોડ નેટવર્કમાંથી ૯૯૦ કિલોમીટર રસ્તો કૉન્ક્રીટનો બનેલો છે, જ્યારે બાકીનો ડામરનો રોડ છે. બીએમસીએ ડામરના રોડને કૉન્ક્રીટના રોડમાં ફેરવવાના કામને મંજૂરી આપી દીધી છે તથા ૪૦૦ કિલોમીટર રસ્તા માટે ટેન્ડર પણ બહાર પાડ્યાં છે. રસ્તાઓને સિમેન્ટ-કૉન્ક્રીટના રોડમાં ફેરવવા નક્કી કરાયા હોવા છતાં કેટલાક રસ્તાઓ પર  ફરીથી ખાડાઓ ઊભરી રહ્યા છે. વર્કઑર્ડર ઇશ્યુ ન થાય ત્યાં સુધી આ રસ્તાઓની જાળવણી કરવાની અમારી ફરજ છે.’

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉલ્હાસ મહાલેએ કહ્યું હતું કે તેમને વૉર્ડ લેવલથી કોઈ ચોક્કસ વિનંતી પ્રાપ્ત થઈ નથી અને કોલ્ડ મિક્સના વપરાશ અને કૉન્ટ્રૅક્ટરો માટે બજેટની ફાળવણી વિશે દરેક વૉર્ડમાંથી વિગતો લેવાની જરૂર છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale