મુંબઈ: ગેટવે પર વિરોધ-પ્રદર્શન કરનારાઓનો ઇરાદો શો હતો?

09 January, 2020 03:01 PM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ: ગેટવે પર વિરોધ-પ્રદર્શન કરનારાઓનો ઇરાદો શો હતો?

પ્રાઉડ ટુ બી અર્બન નક્સલ પ્લૅકાર્ડ સાથે પ્રદર્શનકારી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની હિંસાની સામે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે વિરોધ-પ્રદર્શનમાં ‘ફ્રી કાશ્મીર’ લખેલું પ્લૅકાર્ડ લઈને ઊભી રહેલી સ્ક્રિપ્ટ રાઇટર મહેક મિર્ઝા પ્રભુનો વિવાદ ટાઢો પડવાની શક્યતા માંડ-માંડ ઊભી થઈ છે ત્યાં પોલીસે તપાસના નવા વિષયો નક્કી કર્યા છે. ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે વિરોધ દર્શાવતા આંદોલનકારીઓનાં પોસ્ટર્સ-બૅનર્સ-પ્લૅકાર્ડ્સનાં સૂત્રો-લખાણોના અર્થો અને કારણો તપાસવા પોલીસ તંત્ર સક્રિય થયું છે. પોલીસ તંત્રે મહેક મિર્ઝા પ્રભુની સોશ્યલ મીડિયા પોસ્ટ્સનું ટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.

કાયદો અને વ્યવસ્થાનો અખત્યાર સંભાળતા જૉઇન્ટ પોલીસ કમિશનર વિનોય ચૌબેએ જણાવ્યું હતું કે ‘આંદોલનકારીઓને ગેટવે ઑફ ઇન્ડિયાથી ખસેડીને આઝાદ મેદાન ખાતે લઈ જવાયા બાદ પોલીસ અધિકારીઓએ એ ઠેકાણેથી જુદાં-જુદાં પોસ્ટર્સ, બૅનર્સ અને પ્લૅકાર્ડ્સ તથા અન્ય સામગ્રી એકઠી કરી હતી. એમાંનાં સૂત્રો અને લખાણોના અર્થઘટન માટે સ્પેશ્યલ બ્રાન્ચ સક્રિય બની છે. કેટલાંક સૂત્રો અને લખાણો ગુનાહિત પ્રકારનાં જણાતાં આંદોલનના સ્થળે પ્લૅકાર્ડ્સ લઈને ઊભા રહેતા આંદોલનકારીઓ પર નિગરાણી રાખવાની સૂચના સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીઓને આપવામાં આવી છે. એ સૂત્રો અને લખાણોનો અભ્યાસ કરીને એનો અહેવાલ સ્પેશ્યલ બ્રાન્ચ સુપરત કરશે.’

મુંબઈ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગેટવે ઑફ ઇન્ડિયાના પ્રોમેનેડ પર મોટી સંખ્યામાં છૂપા કૅમેરા દ્વારા વિવાદાસ્પદ સૂત્રો લખનારા આંદોલનકારીઓને ઓળખવામાં સરળતા થશે. ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ગેરકાયદે વિરોધ-પ્રદર્શન દરમ્યાન અમારા યુનિફોર્મ વગર સાદા કપડાંમાં ફરતા અધિકારીઓએ એ વખતની ઘણી ગતિવિધિઓનું વિડિયો શૂટિંગ પણ કર્યું છે. ‘ફ્રી કાશ્મીર’ના પ્લૅકાર્ડ ઉપરાંત એક પ્લૅકાર્ડ પર ‘પ્રાઉડ ટુ બી અર્બન નક્સલ’ પણ લખ્યું હતું.’

આ પણ વાંચો : કડક સુરક્ષામાં લુખ્ખો કેવી રીતે ઘૂસ્યો? : સાયન હૉસ્પિટલનો સિક્યૉરિટી ઑફિસર સસ્પેન્ડ

‘પ્રાઉડ ટુ બી અર્બન નક્સલ’ લખેલું પ્લૅકાર્ડ બનાવનારા આમ આદમી પાર્ટીના સમર્થક ઍડ્વોકેટ અભિષેક ભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન અમને અર્બન નક્સલ ગણાવતા હોવાથી મેં એ સૂત્ર લખ્યું હતું. બંધારણને સમર્થન આપવા માટે જો અમને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવતા હોય તો અમને અર્બન નક્સલ હોવાનો ગર્વ છે. અર્બન નક્સલ સંપૂર્ણ દેશભક્ત છે અને અર્બન નાઝી માત્ર ભક્ત છે.’

mumbai news gateway of india jawaharlal nehru university