રણવીર સિંહને પણ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી જ ધમકી મળી હોવાની શક્યતા

14 February, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉઇસનોટના અવાજ સાથે ગૅન્ગના મુખ્ય ઑપરેટિવ હૅરી બૉક્સરનો અવાજ મૅચ કરવામાં આવ્યો, મેસેજનું લોકેશન ફૉરેનનું બતાવે છે

રણવીર સિંહની ફાઇલ તસવીર

રણવીર સિંહને એક કરોડ રૂપિયાની ખંડણી માગતી વૉઇસનોટ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના મુખ્ય ઑપરેટિવ હૅરી બૉક્સરે મોકલી હોવાની કડી મુંબઈ પોલીસને મળી છે.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રણવીર સિંહને મોકલેલી વૉઇસનોટના અવાજને હૅરી બૉક્સરના અવાજ સાથે મૅચ કર્યો હતો. આ કેસમાં વધુ ટેક્નિકલ અને ફૉરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે અને હૅરી બૉક્સરને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જોવામાં આવી રહ્યો છે.

પોલીસે ૩ દિવસ પહેલાં રણવીર સિંહના મૅનેજરનું નિવેદન નોંધ્યું હતું અને ત્યાર બાદ તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. વૉઇસનોટ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા મોકલવામાં આવી હતી જેમાં ડિજિટલ ટ્રેઇલ ફૉરેનનું લોકેશન બતાવે છે. નેટવર્કના મૂળને શોધવા અને ધમકી જે દેશમાંથી મોકલવામાં આવી હતી એ ઓળખવા માટે ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરપોલની મદદ માગી છે.

ઍક્ટર આયુષ શર્માને પણ આવી ધમકી મળી હોવાની ફરિયાદ બાદ બુધવારે તેના મૅનેજરનું નિવેદન પણ પોલીસે નોંધ્યું હતું. બન્ને કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ઔપચારિક રીતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવે એવી શક્યતા છે.

વૉઇસનોટમાં હૅરી બૉક્સરે કહ્યું: તારી સાત પેઢી યાદ રાખશે એવી હાલત કરીશું

રણવીર સિંહને મોકલેલી વૉઇસનોટમાં ધમકીભર્યા અવાજમાં હૅરી બૉક્સરે કહ્યું હતું કે ‘બધા ભાઈઓને રામ રામ, હું લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો હૅરી બૉક્સર છું. આજની વૉઇસનોટ આખા બૉલીવુડ માટે છે, ખાસ કરીને રણવીર સિંહ માટે. રણવીર સિંહ, અમે તારી એવી હાલત કરીશું કે તારી ૭ પેઢી યાદ રાખશે. રણવીર સિંહ, તને સલાહ આપવાનો ખૂબ શોખ છેને કે સાહેબ, જાઓ અને પોલીસ-સ્ટેશનમાં અરજી કરો અને રિપોર્ટ કરો. તેં પણ ફરિયાદ કરી છેને પોલીસમાં. હવે મારી વાત સાંભળ. અમારી પાસે તારા બધા મૅનેજરો અને તારી સાથે કામ કરતા લોકોની વિગતો છે. તેમનાં ઘર, ક્યારે ઑફિસ જાય છે, ક્યારે પાછા આવે છે, ક્યાં રહે છે બધું જ. અમે તને કંઈ નહીં કહીએ, પણ તે બધાની ખેર નથી. ત્યારે જ તને ભાન પડશે. સીધી રીતે લાઇન પર આવી જા. રણવીર સિંહ, તું તારી વાત પરથી ફરી ગયો એટલે વૉઇસનોટ મૂકી રહ્યો છું. કાં તો તું તારી વાત પછી માની લે, નહીં તો એની સજા શું હોય અમે બતાવીશું. હવે તું અને રોહિત શેટ્ટી બન્ને ધ્યાનથી સાંભળો. હું બૉલીવુડને કહી રહ્યો છું કે કાં તો હું જેને ફોન કરું એ સમયસર લાઇન પર આવી જાઓ, નહીં તો પછી જોજો અમે શું કરીએ છીએ. બીજું, આજે પોર્ટુગલમાં અમે ગોળીબાર કરાવ્યો છે.’ 

ranveer singh lawrence bishnoi mumbai police crime branch mumbai crime branch mumbai mumbai news