પાવર સપ્લાય કરતી કંપનીએ પોલીસને બતાવ્યો પાવર

12 March, 2021 08:44 AM IST  |  Mumbai | Mehul Jethva

પાવર સપ્લાય કરતી કંપનીએ પોલીસને બતાવ્યો પાવર

જેનું લાઇટનું કનેક્શન કાપવામાં આવ્યું હતું એ ટ્રાફિકચોકી.

બે સરકારી વિભાગ એકબીજા સાથે બાખડે તો શું થાય એ મુલુંડવાસીઓને બુધવારે સાંજે ખબર પડી હતી. સામાન્ય સંજોગોમાં કોઈ પણ સરકારી વિભાગો એકબીજા સાથે સહયોગ કરીને દરેક કામ કરતા હોવા જોઈએ, પણ હકીકતમાં એવું બનતું નથી. બુધવારે સાંજે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના અધિકારીઓએ ત્યાંના એક રોડની નીચેથી કેબલ નાખવા માટેનું કામ જે કૉન્ટ્રૅક્ટરને આપ્યું હતું તેને કામ કરવાનું શરૂ કરવા કહ્યું હતું. જોકે તેમની પાસે ટ્રાફિક વિભાગની પરવાનગી ન હોવાથી પોલીસે આ કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ એમએસઈડીસીએલના અધિકારીએ કર્યો હતો. પોલીસના આ પગલાને લીધે ગુસ્સે ભરાયેલા એમએસઈડીસીએલના અધિકારીઓએ બદલો લેવા માટે મુલુંડ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક આવેલી ટ્રાફિકચોકીનો બિલ ન ભરવા બદલ પાવર કટ કરી નાખ્યો હતો. આ બન્નેની લડાઈને લીધે ચોકીની સામેનું એક સિગ્નલ બંધ પડી ગયું હતું અને એને લીધે ત્યાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. એટલું જ નહીં, ટ્રાફિક વિભાગના અધિકારીઓ જે વૉકીટૉકી વાપરતા હતા એ પણ બંધ પડી ગઈ હતી. તેમની ઑફિસનાં કમ્પ્યુટરો પણ બંધ થઈ જતાં એ વખતનાં સીસીટીવી ફુટેજ પણ રેકૉર્ડ નહોતાં થયાં.

જોકે પોલીસના સિનિયર અધિકારીએ મધ્યસ્થી કરવાને લીધે અડધો કલાક બાદ એમએસઈડીસીએલના અધિકારીઓએ પાવર પાછો ચાલુ કરી દીધો હતો.

લૉકડાઉન બાદ મહાવિતરણ દ્વારા મહારાષ્ટ્રમાં આશરે એક લાખ કરતાં વધુ લાઇટ-કનેક્શન બિલ ન ભરવાને કારણે કાપવામાં આવ્યાં છે. એવી જ રીતે મુલુંડ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક આવેલી ટ્રાફિકચોકીનું પણ લાઇટનું કનેક્શન છેલ્લા એક વર્ષનું ૭૪,૦૦૦ રૂપિયાનું બિલ ભરવાનું બાકી હોવાથી મહાવિતરણે બુધવારે સાંજના ૩૦ મિનિટ માટે કાપી નાખ્યું હતું. એ દરમિયાન ટ્રાફિક વિભાગે ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જે સમયે લાઇટ નહોતી એ સમયે બંધ પડી ગયેલાં ટ્રાફિક વિભાગનાં મશીનો

આ મુદ્દા પર એમએસઈડીસીએલના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમારો સ્ટાફ તેમની પાસે અનેક વાર રોડના કામ માટે પરવાનગીઓ માગવા જાય છે, પરંતુ તેઓ અમારા એન્જિનિયર લેવલના અધિકારીઓને બે-બે કલાક પરવાનગી માટે ઊભા રાખે છે. અમે પણ સરકારી વિભાગના જ અધિકારીઓ છીએ. ટ્રાફિકવાળા કૉન્ટ્રૅક્ટરો પાસેથી પૈસા પડાવવા માટે આ બધી કાર્યવાહી કરે છે.’

આ આખા પ્રકરણ વિશે એમએસઈડીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દત્તાત્રય ભણગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિકચોકીનું છેલ્લા એક વર્ષ દરમિયાન ૭૪,૦૦૦ રૂપિયા કરતાં વધુ બિલ ભરવાનું બાકી છે. વારંવાર કહેવા છતાં તેમણે બિલ ન ભરતાં અમે કાર્યવાહી કરી હતી.’
તેમને પૂછ્યું કે ટ્રાફિકવાળાએ કૉન્ટ્રૅક્ટર પર ઍક્શન લીધી હોવાથી રોષે ભરાઈને તમે લાઇટનું કનેકશન કાપી નાખ્યું? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમે તેમને મેસેજ આપવા માગતા હતા કે તમારી પાસે જેટલો પાવર છે એટલો જ પાવર અમારી પાસે પણ છે. તેમણે અમારા ત્રણ કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લીધી હતી.’

જોકે મુલુંડ ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર નરેન્દ્ર તેલગાવકરે બદલાની ભાવનાની વાત કર્યા વગર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમએસઈડીસીએલના કૉન્ટ્રૅક્ટર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર કામ કરતા હતા, જેને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ જ કારણસર અમે કાર્યવાહી કરી હતી. રહી વાત ઇલેક્ટ્રિસિટીના બિલની તો એ હેડ ઑફિસથી ભરવામાં આવતું હોવાથી અમે કંઈ ન કહી શકીએ.’

આ મામલાએ ગઈ કાલે નવો વળાંક લીધો હતો. મુલુંડ પોલીસે ત્રણમાંથી એક કૉન્ટ્રૅક્ટર અશપા પલ્લીની ટ્રાફિક વિભાગની પરવાનગી વગર ખોદકામ કરવા બદલ ધરપકડ કરી હતી.

mumbai mumbai news mumbai traffic mulund mehul jethva