નાઇટ કર્ફ્યૂ તોડવાના ચક્કરમાં રૈના, ગુરુ રંધાવા સહિત 34 પોલીસની અટકમાં

22 December, 2020 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

નાઇટ કર્ફ્યૂ તોડવાના ચક્કરમાં રૈના, ગુરુ રંધાવા સહિત 34 પોલીસની અટકમાં

સુરેશ રૈના (ફાઇલ ફોટો જાગરણ)

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના એક નવા વિવાદમાં ફસાતો જોવા મળે છે. મુંબઇમાં નાઇટ કર્ફ્યૂના ઉલ્લંઘન મામલે તેમને સિંગર ગુરુ રંધાવા સાથે અટકમાં લીધા છે, જો કે પછી બેલ પર છોડી પણ દેવાયા છે. મુંબઇમાં તેમની વિરુદ્ધ આ મામલે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. મુંબઇ પોલીસે એક ક્લબમાં રેઇડ પાડી, જેમાં 34 લોકોને અટકમાં લેવામાં આવ્યા, રૈના અને ગુરુ રંધાવા પણ આ લોકોમાં સામેલ હતા.

એનબીટીમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ રેઇડ ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પડી, જે મુંબઇ ઍરપૉર્ટ નજીક સ્થિત હોટેલ મેરિએટમાં છે. આ ક્લબમાં હાઇ પ્રૉફાઇલ પાર્ટી ચાલતી હતી, જેમાં રૈના સિવાય બોલીવુડના પણ કેટલાક જાણીતા ચહેરા સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુરુ રંધાવા, સુઝાન ખાન અને સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હાજર હતા. મુંબઇ પોલીસના સૂત્રો પ્રમાણે રેઇડ પાડ્યા પછી કેટલાય સિતારા ક્લબની પાછળના દરવાજેથી નાસી છૂટ્યા હતા.

મુંબઇ પોલીસે બધા પર ધારો 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. રૈનાની વાત કરીએ તો સોમવારે જ ઉત્તર પ્રદેશે સૈયદ મુશ્તાર અલી ટી20 ટૂર્નામેન્ટ માટે 26 સભ્યની સંભવતઃ લિસ્ટ જાહેર કરી છે, જેમાં રૈનાનું નામ પણ સામેલ છે. રૈનાએ આ વર્ષે 15 ઑગસ્ટના મહેન્દ્ર સિંહ ધોનીના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહેવાના થોડાંક જ સમય પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

રૈના ત્યાર બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સીઝનમાં પણ ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમવા માટે દુબઈ રવાના થયો હતો, પણ આઇપીએલ શરૂ થતાં પહેલા જ ખાનગી કારણોસર તે સ્વદેશ પાછો ફર્યો હતો.

mumbai news suresh raina sussanne khan