૨૬/૧૧ના અટૅકની સાતમી વરસીએ પણ નિરાશાજનક સ્થિતિ

26 November, 2015 05:48 AM IST  | 

૨૬/૧૧ના અટૅકની સાતમી વરસીએ પણ નિરાશાજનક સ્થિતિ



૨૦૦૮ના મુંબઈ-હુમલા પછી એક બાબત ઊડીને આંખે વળગે એવી હતી. આ બાબત એ હતી કે મુંબઈ પોલીસ પાસે હલકી ગુણવત્તા ધરાવતાં બુલેટપ્રૂફ જૅકેટો હતાં. હવે એવું જાણવા મળ્યું છે કે આજની તારીખ સુધીમાં મહારાષ્ટ્ર પોલીસ માત્ર ૨૦૦૦ બુલેટપ્રૂફ જૅકેટ જ મેળવી શકી છે.

૨૦૦૮ના મુંબઈ-હુમલામાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડના તત્કાલીન વડા હેમંત કરકરે, વધારાના પોલીસ-કમિશનર અશોક કામટે અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વિજય સાલસકર શહીદ થયા હતા. આ મૃત્યુઓ પાછળનું એક કારણ હલકી ગુણવત્તાવાળાં બુલેટપ્રૂફ જૅકેટો હતાં.ત્યાર બાદ સરકારે તરત તેમનાં સુરક્ષા-ઉપકરણો અને શસ્ત્રોનું આધુનિકીકરણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે માહિતી અધિકારના કાયદા હેઠળ જાણ થઈ છે કે મહારાષ્ટ્ર પોલીસ માત્ર ૨૦૦૦ બુલેટપ્રૂફ જૅકેટ જ મેળવી શકી છે.

 ૨૦૧૧માં બૉમ્બ-સૂટ મેળવતી વખતે ગોટાળો થયો હતો. એમાં સરકારે બૉમ્બ-સ્ક્વૉડ માટે છ કરોડ રૂપિયાના ખર્ચે ૮૦ સૂટ મેળવવાનો ઑર્ડર આપ્યો હતો. ત્યારથી આ પ્રક્રિયા ધીમી પડી છે.

 એક પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું કે ‘દરેક ઑફિસરને એ ચિંતા સતાવે છે કે જો કોઈ અઘટિત બનાવ બને તો તેનું નામ બ્લૅક લિસ્ટમાં આવી જશે. રાજ્યમાં ઓછામાં ઓછાં ૧૦,૦૦૦ બુલેટપ્રૂફ જૅકેટની જરૂર છે, પરંતુ એ મેળવવાની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. માર્ચ ૨૦૧૧થી ઑગસ્ટ ૨૦૧૧ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસને દિલ્હીના ગૃહવિભાગ તરફથી ૨૦૦૦ બુલેટપ્રૂફ જૅકેટ મળ્યાં હતાં. ત્યાર બાદ અમે આ જૅકેટો ખરીદી નથી શક્યા.’

પહેલી વાર રાજ્યનો ગૃહવિભાગ બુલેટપ્રૂફ જૅકેટો ખરીદવા તૈયાર થયો છે, પરંતુ કોઈને જાણ નથી કે ૫૦૦૦ જૅકેટ ખરીદતાં કેટલો સમય લાગશે. મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે બુલેટપ્રૂફ જૅકેટો ખરીદવા ટેન્ડરો બહાર પાડ્યાં છે અને એની પ્રક્રિયા પૂરી થતાં અમે આ જૅકેટો ખરીદીશું.