મુંબઈ પોલીસને ૮૫ કરોડ રૂપિયા સર્વિસ-ટૅક્સ ચૂકવવાની નોટિસ

17 November, 2011 09:42 AM IST  | 

મુંબઈ પોલીસને ૮૫ કરોડ રૂપિયા સર્વિસ-ટૅક્સ ચૂકવવાની નોટિસ



સર્વિસ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના પંજામાંથી કોઈ બચી શકે એમ નથી. ખુદ પોલીસ-ડિપાર્ટમેન્ટ પણ નહીં. સેન્ટ્રલ ર્બોડ ઑફ એક્સાઇઝ ઍન્ડ કસ્ટમ્સના સર્વિસ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે મુંબઈપોલીસને સર્વિસ-ટેક્સની ૮૫ કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવા શો-કૉઝ નોટિસ મોકલી છે. મુંબઈપોલીસ જાણીતી વ્યક્તિઓ તેમ જ જાહેર ઉત્સવોમાં પોલીસરક્ષણ પૂરું પાડવા માટે સારોએવો પ્રમાણમાં ચાર્જ વસૂલ કરે છે, પરંતુ આ બિલ પૈકી કોઈનો પણ સર્વિસ-ટૅક્સ ભરતી નથી. નિયમ મુજબ મુંબઈપોલીસે ગ્રાહક પાસે સુરક્ષા માટે લીધેલી રકમના ૧૦ ટકા સર્વિસ-ટૅક્સ જે-તે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં ભરવો ફરજિયાત છે. પોલીસ-ડિપાર્ટમેન્ટે ૨૦૦૬થી ૨૦૧૧ સુધી કોઈ સર્વિસ-ટૅક્સ નથી ભર્યો. મુંબઈ સર્વિસ-ટૅક્સના કમિશનર સુશીલ સોલંકીએ ક્હ્યું હતું કે પોલીસ વિભાગે ૩૦ દિવસની અંદર નોટિસનો જવાબ આપવો પડશે. વર્ષ ૨૦૦૬ પહેલાં સિક્યૉરિટી એજન્સીની વ્યાખ્યામાં મુંબઈપોલીસનો સમાવેશ ન્હોતો થતો, પરંતુ ત્યાર બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ર્ફોસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ર્ફોસ તથા પોલીસ ર્ફોસ તમામનો સિક્યૉરિટી એજન્સીમાં સમાવેશ કરવામાં આવતાં એમના દ્વારા વસૂલ કરવામાં આવતી રકમ કરપાત્ર બની છે.

મુંબઈપોલીસે હજી સુધી ટૅક્સ રજિસ્ટ્રેશન નંબર પણ નથી મેળવ્યો, જે સર્વિસ-ટૅક્સ ભરવા માટે જરૂરી છે. જો ૩૦ દિવસમાં પોલીસ સર્વિસ-ટૅક્સ નહીં ભરે તો નિયમ મુજબ કાર્યવાહી થશે. ઍડિશનલ ચીફ સેક્રેટરી ઉમેશ ચંદ્રાએ કહ્યું હતું કે આ મામલે મને કોઈ પત્ર નથી મળ્યો. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ઍડ્મિનિસ્ટ્રેશન) એસ. પી. યાદવે કહ્યું હતું કે ‘સરકારના હોમ ડિપાર્ટમેન્ટે સૂચવેલા નિયમ અનુસાર તેઓ સિક્યૉરિટી ચાર્જ વસૂલ કરે છે. જાણીતી વ્યક્તિઓ તેમ જ જાહેર ઉત્સવો ઉપરાંત સુધરાઈની ડિમોલિશન કાર્યવાહી દરમ્યાન પણ તેઓ સુરક્ષા પૂરી પાડે છે. આ તમામ કાર્યોમાંથી જે આવક થાય છે એ તમામ સરકારી તિજોરીમાં જમા થાય છે. જો આ આવક પર કોઈ સર્વિસ-ટૅક્સ હોય તો રાજ્ય સરકારે આ બાબતે જાણ કરવી જોઈએ.’

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વર્ષમાં અંદાજે કુલ દોઢ કરોડ રૂપિયા જેટલી આવક પોલીસ-વિભાગને થતી હોય છે, જેમાંથી ૭૫ લાખ રૂપિયા આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મૅચોની સિક્યૉરિટીમાંથી થાય છે.