30 July, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોડી રાતે ઘરે પાછી જતી મહિલાઓની સુરક્ષા માટે મુંબઈ પોલીસ દ્વારા આખા શહેરમાં બડી કૉપ સ્ક્વૉડ તૈયાર કરવામાં આવી છે. વિશેષ ઝુંબેશ હેઠળ દરેક પોલીસ-સ્ટેશનમાં બનાવવામાં આવેલી આ સ્ક્વૉડ્સમાં મહિલા પોલીસ-અધિકારીઓ સહિત આઠથી દસ પોલીસ હશે. જે મહિલાઓ રાતના પ્રવાસ કરતી વખતે અસુરિક્ષત અનુભવતી હોય તેમની મદદ માટે આ બધી જ ટીમ ચોવીસ કલાક તહેનાત રહેશે.
આ ઉપરાંત ચોવીસ કલાક વૉટ્સઍપ ગ્રુપથી પણ સ્ક્વૉડ દ્વારા મૉનિટરિંગ કરવામાં આવશે. આ ગ્રુપમાં મહિલાઓ તેમનું લાઇવ લોકેશન મોકલાવી શકશે અને તેમને કોઈ પણ સહાયની જરૂર પડે તો તાત્કાલિક મદદ મેળવી શકશે.
મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ સામે મુંબઈ પોલીસની ‘ઝીરો ટૉલરન્સ પૉલિસી’ ઝુંબેશ અંતર્ગત આ સ્ક્વૉડ બનાવવામાં આવી છે. આ ઝુંબેશ શરૂ કરવાનો આદેશ મે મહિનામાં આપવામાં આવ્યો હતો અને જૂન મહિનાથી એની અમલબજાવણી કરવામાં આવી હતી.
ખાસ કરીને આ સેક્ટરમાં નાઇટ-શિફ્ટમાં કામ કરતી મહિલાઓને મળશે રાહત
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટર, હેલ્થકૅર સેક્ટર, કૉલ સેન્ટર, મૉલ્સ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) ઉપરાંત અન્ય સેક્ટર જેમાં રાત સુધી મહિલાઓ કામ કરીને ઘરે પાછી જતી હોય છે એ મહિલાઓને આ સ્ક્વૉડના કારણે ખૂબ મદદ મળશે અને તેઓ વધુ સલામત અનુભવશે.