માયાનગરીની ઇમેજ સુધારવા હવે પોલીસ કરશે મુંબઈને બેગર્સ-ફ્રી

14 February, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માયાનગરીની ઇમેજ સુધારવા હવે પોલીસ કરશે મુંબઈને બેગર્સ-ફ્રી

ગઈ કાલે દહિસર ઈસ્ટના મારુતિ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓ

દેશના ક‌મર્શિયલ કૅપિટલમાં આખા વિશ્વમાંથી લોકો આવતા હોવાથી અહીં પણ ઇન્ટરનૅશનલ સુવિધા લોકોને મળી રહે એ દિશામાં નિર્ણય લેવાની વાતો વર્ષોથી થતી આવી છે, પણ હજી સુધી નક્કર કંઈ થયું નથી. જોકે, મુંબઈ પોલીસને અચાનક જ શહેરની ઇમેજની ચિંતા થવા લાગી છે અને એ જ કારણસર પોલીસના જૉઇન્ટ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલે શહેરના દરેક પોલીસ સ્ટેશનને એક સરક્યુલર મોકલીને માયાનગરીને ભિખારીઓથી મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવાનું કહ્યું છે.

મુંબઈ પોલીસના જૉઇન્ટ સીપી (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલે દરેક પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જને આખા મહિનો ભિખારીઓ સામે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન ‌વિશે જોઇન્ટ કમિશનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિખારીઓને લીધે અમુક હદે શહેરની ઇમેજ ખરાબ થઈ રહી છે. ટૂરિસ્ટ પ્લેસ તેમ જ સિગ્નલો પર તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે સારુ નથી લાગતું. આ સિવાય તેઓ નાના બાળકો પાસે ભીખ માગવાનો ધંધો પણ કરાવતા હોય છે. અમારી પાસે અમુક એવા કેસ પણ આવ્યા છે જેમાં બાળકોનું અપહરણ કરીને તેમની પાસે ભીખ મગાવવામાં આવતી હોય. આ સિવાય કોરોનાકાળમાં અમે ‌કોઈ ઍક્શન લીધી ન હોવાથી તેમની સંખ્યા પણ બહુ વધી ગઈ છે. એથી અમે આ ડ્રાઇવ ચાલુ કરી છે. અમારી પાસે તેમને રાખવાની મોટી વ્યવસ્થા પણ છે.’

હવે મુંબઈભરમાંથી ભિખારીઓને પકડી-પકડીને માનખુર્દના બેગર્સ હોમમાં રાખવામાં આવશે. જોકે એ પહેલાં તેમની મેડિકલ-ટેસ્ટ અને કોરોના-ટેસ્ટ પણ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ શુક્રવારે રાત્રે આઝાદ મેદાન પોલીસે ૧૪ ભિખારીઓને પકડીને તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ માનખુર્દ બેગર્સ હોમમાં મોકલી આપ્યા હતા.

આ સવાલોના જવાબ નથી?

પોલીસે ભિખારીઓને પકડીને માનખુર્દના બેગર્સ હોમમાં રાખવાનું નક્કી કર્યું છે, પણ હજારોની સંખ્યામાં પકડેલા ભિખારીઓને ક્યાં સુધી રાખવામાં આવશે? તેમના માટે કોઈ યોજના ઘડવામાં આવી છે? જો તેમને થોડા દિવસ બાદ છોડી દેવામાં આવશે તો પછી આ અભિયાનનો શું અર્થ રહેશે? આવા ઘણા પ્રશ્નોના ઉત્તર અત્યારે નથી. આ સંદર્ભના પ્રશ્નો ‘મિડ-ડે’એ વિશ્વાસ નાંગરે પાટીલને મૅસેજ કરીને પૂછ્યા હતા, પણ તેમનો કોઈ જવાબ આવ્યો નહોતો.

mumbai mumbai news mumbai police