હીરાદલાલના મર્ડરકેસની સઘન તપાસ કરવા પોલીસ ગુજરાતમાં

24 November, 2011 10:34 AM IST  | 

હીરાદલાલના મર્ડરકેસની સઘન તપાસ કરવા પોલીસ ગુજરાતમાં



વિરારમાં રહેતા અને ઑપેરા હાઉસના ડાયમન્ડબજારમાં મુકેશ દલાલને ત્યાં કામ કરતા હાર્દિકના ગળે ટંૂપો દેવામાં આવ્યો હતો અને ગળા પર હથિયારના ઘા પણ કરવામાં આવ્યા હતા એમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. હાર્દિકના હત્યારાઓને શોધવા ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના આ કેસની તપાસ કરતા સબ-ઇન્સ્પેક્ટર અવિનાશ માંદળે તેમની ટીમ સાથે ગુજરાત ગયા છે. મર્ડરના આ કેસ વિશે વધુ માહિતી આપતાં ગિરગામ ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ એ. પી. જાધવે કહ્યું હતું કે ‘હાર્દિકના આ મર્ડરકેસમાં તેની નજીકની અથવા તેને નજીકથી જાણતી વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા છે. હાર્દિક પાસે કેટલા રૂપિયાના ડાયમન્ડ છે એ વિશે તેની નજીકની વ્યક્તિને જ જાણ હોઈ શકે. આ કેસમાં એક કરતાં વધુ લોકો પણ સંડોવાયેલા હોઈ શકે. તે પંચગની પહોંચ્યો કઈ રીતે અને ત્યાં બે દિવસ ક્યાં રહ્યો એ પ્રશ્નોના જવાબ શોધવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શક્ય છે કે તેની હત્યામાં સંડોવાયેલી વ્યક્તિ માર્કેટની જ હોય, કારણ કે તેને જ જાણ હોય કે હાર્દિક પાસેના ડાયમન્ડની વૅલ્યુ કેટલી હોઈ શકે. તે વ્યક્તિ અત્યારે પણ માર્કેટમાં કાર્યરત હોઈ શકે. આથી અમે બહુ જ સાવધાનીથી કેસની તપાસ કરી રહ્યા છીએ.’

ઑપેરા હાઉસના ડાયમન્ડબજાર વિસ્તારમાં સુરક્ષાની દૃષ્ટિએ ઠેર-ઠેર સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા લગાવવામાં આવ્યા છે જેને કારણે ત્યાંના મોટા ભાગના રસ્તા પરની અવરજવરનું સતત મૉનિટરિંગ થતું રહે છે. એ દ્વારા પણ કોઈ ક્લુ મળી શકે એટલે એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.