ટ્રાફિક-પોલીસની તિજોરી તગડી કરવામાં આડેધડ પાર્કિંગ નંબર-વન અને ડ્રન્કન ડ્રાઇવિંગ નંબર-ટૂ

19 December, 2014 06:43 AM IST  | 

ટ્રાફિક-પોલીસની તિજોરી તગડી કરવામાં આડેધડ પાર્કિંગ નંબર-વન અને ડ્રન્કન ડ્રાઇવિંગ નંબર-ટૂ



ટ્રાફિક-પોલીસે આ વર્ષે નવેમ્બર સુધીમાં વિવિધ નિયમભંગ બદલ મુંબઈગરા પાસેથી ૨૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જોકે ટ્રાફિક-પોલીસની તિજોરીમાં દંડવસૂલીના સૌથી વધુ ચાર કરોડ રૂપિયા મુંબઈમાં નો-પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્કિંગના કારણે જમા થયા છે અને ત્યાર બાદ ૩.૨ કરોડ રૂપિયા દારૂ પીને ગાડી ચલાવનારાઓ પાસેથી દંડ પેટે મળ્યા છે.

ટ્રાફિક-પોલીસે ૨૦૧૩માં દંડવસૂલીના ૨૩ કરોડ રૂપિયા તિજોરીમાં જમા કર્યા હતા તેના કરતાં આ રકમ ઓછી છે, પરંતુ ઑફિસરોના જણાવ્યા પ્રમાણે ‘હજી ડિસેમ્બરના દંડવસૂલીના રૂપિયા આમાં ઉમેરાશે. વર્ષના છેલ્લા અઠવાડિયામાં નાતાલ અને થર્ટી-ફર્સ્ટ તેમ જ ન્યુ યર પાર્ટીઓની સીઝનમાં દંડવસૂલી મૅક્સિમમ રહે છે તેથી આ આંકડો તો આસાનીથી પાર થઈ જશે.’

ટ્રાફિક-પોલીસના મૅક્સિમમ કલેક્શનની વાત સમજાવતાં ટ્રાફિક શાખાના જૉઇન્ટ પોલીસ-કમિશનર ડૉ. બી. કે. ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘ન્યુ યર અને ગટારી અમાસ જેવા ખાસ પ્રસંગો અને દર અઠવાડિયે શુક્રવાર અને શનિવારે ટ્રાફિક-પોલીસ ડ્રન્કન ડ્રાઇવિંગ કૅમ્પેન ચલાવે છે અને આવા દિવસોમાં જ મૅક્સિમમ કલેક્શન થાય છે. જોકે દારૂ પીને ગાડી ચલાવતા વધુ ને વધુ લોકો પકડાતા હોવાથી હવે લોકો દારૂ પીને ગાડી ચલાવતા પહેલાં વિચારે તે મહત્વનું છે.’

સિગ્નલ તોડવાના કેસોમાં ટ્રાફિક-પોલીસે ત્રીજા નંબરે ૨.૨૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત હેલ્મેટ વગર ટૂ-વ્હીલર્સ ચલાવનારાઓ પાસેથી ચોથા નંબરે લગભગ બે કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો છે.