ગુજરાતી કારચોર નીકળ્યો ગજબ ભેજાગેપ

06 January, 2021 10:03 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગુજરાતી કારચોર નીકળ્યો ગજબ ભેજાગેપ

કારચોર રોમિલ સોની

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલના અધિકારીઓએ મુંબઈમાંથી વાહનો ચોરીને ગુજરાત અને યુપીમાં વેચતી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે એટલું જ નહીં, તેમની પાસેથી ચોરાયેલાં ત્રણ ટૂ-વ્હીલર અને ચાર ફોર-વ્હીલર જેમાં ઈકો અને વૅગન આરનો સમાવેશ થાય છે એ હસ્તગત કરવામાં પણ સફળતા મેળવી છે. નવાઈની વાત એ છે કે આ ટોળકી ડિમાન્ડ ઍન્ડ સપ્લાયના આધારે કાર ચોરી કરતી હતી. ગુજરાત કે યુપીથી ડિમાન્ડ કરવામાં આવતી કે ચોક્કસ કંપનીનું ફલાણું મૉડલ જોઈએ છે. એમાં ખાસ કરીને મારુતિ સુઝુકીની ઈકો કારની ડિમાન્ડ આવતી હતી. એટલે મૉડલની સર્ચ શરૂ થતી અને ત્યાર બાદ મુંબઈમાંથી ચોક્કસ મૉડલની કાર ચોરીને અન્ય રાજ્યોમાં મોકલી અપાતી.

મુંબઈ, એનાં પરાં, નવી મુંબઈ, થાણેમાંથી વાહનોની થઈ રહેલી ચોરી બાબતે ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલને એ બાબતે તપાસ કરવા ઉચ્ચ અધિકારોઓએ જણાવતાં આ બાબતે માહિતી કઢાવાઈ હતી. વડાલામાં રહેતા વાહનોની ચોરી કરતા રીઢા ગુનેગાર નફીસ શૌકતઅલી ખાન પર નજર રાખી તેને અને તેના સાગરીત મોહમ્મદ તફસીર મો. શેખને પણ ઝડપી લેવાયા હતા. તેમણે કબૂલ્યું હતું કે તેમણે બાંગુરનગર સહિત સાંતાક્રુઝ અને ઘાટકોપરમાંથી ઈકો ચોરી કરી હતી અને ગુજરાતના વડોદરાના તેમના કાઉન્ટરપાર્ટ રોમિલ દીપકભાઈ સોનીને આગળ પાસ કરી હતી. એથી પ્રૉપર્ટી બ્રાન્ચે રોમિલ સોનીની પણ ધરપકડ કરી હતી અને તેણે અન્યોને વેચેલી ઈકો અને વૅગન આર કાર જપ્ત કરી હતી.

પ્રૉપર્ટી સેલના સિનિયર પોલીસ ઑફિસર કેદારી પવારે આ બાબતે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોમિલ સોની પણ રીઢો કારચોર છે. મુંબઈમા પાંચ-છ વર્ષ પહેલાં એક કેસમાં તે પકડાયો પણ હતો. તે ગુજરાતમાં સક્રિય હતો. મુંબઈમાંથી કાર ચોરી કરાવી ગુજરાતમાં નાનાં-નાનાં સિટી અને ગામડાંમાં સસ્તામાં વેચી નાખતો. એ માટે તે ગાડીના બનાવટી દસ્તાવેજો બનાવતો હતો.’

દારૂની હેરફેર 

ખાસ કરીને ઈકો કાર ચોરવાનું કારણ શું એમ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ઈકો ગાડીમાં અંદર વધુ સ્પેસ છે. વળી ગુજરાત-રાજસ્થાન વગેરેના અંતરિયાળ પાર્ટમાં ઈકો પૅસેન્જર વેહિકલ તરીકે એક ગામથી બીજા ગામ ફેરા કરે છે. એ કમાણીનું સાધન છે. મૂળમાં ૮ પૅસેન્જરની કૅપેસિટી ધરાવતી ઈકોમાં મોટા ભાગે દસથી બાર માણસોને બેસાડાય છે. વળી અંદર વધુ જગ્યા હોવાથી એનો ઉપયોગ દારૂની હેરફેર માટે પણ કરાય છે. એથી એના સારા પૈસા ઊપજે છે. વળી એની રીસેલ વૅલ્યુ પણ વધારે છે. એથી એની ડિમાન્ડ વધુ છે.’ 

mumbai mumbai news gujarat uttar pradesh Crime News mumbai crime news