28 April, 2025 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ પોલીસ
ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓને રોકવા અને નિયમોનું યોગ્ય પાલન થાય એ માટે મુંબઈ પોલીસે શનિવારે હાથ ધરેલા ‘ઑલ આઉટ’ ઑપરેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં તથા ડ્રગ્સ કે સટ્ટો રમવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા ૧૯ લોકો ઝડપાયા હતા. ૪૦ લોકો સામે મુંબઈ પોલીસ ઍકટની કલમ ૧૪૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમ જ ૨૮ લોકોને બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૧૦ ફરાર કે વૉન્ટેડ આરોપીઓને પોલીસ ઝડપી લીધા હતા તો ટ્રૅફિકના નિયમનું ઉલ્લંઘન કરતા ૧૮૦૦ લોકો ઝડપાયા હતા.
શનિવારે રાતે ૧૧ વાગ્યાથી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૧૯૨ જગ્યાએ કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તથા ૧૧૧ નાકાબંધી પૉઇન્ટ્સ ઊભા કરીને કુલ ૭૨૩૫ વાહનોને ચેક કરવામાં આવ્યાં હતાં. એમાં ડ્રન્કન ડ્રાઇવિંગના ૬૩ કેસ નોંધાય હતા. ૬૪ લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની કલમ ૧૨૦ અને ૧૨૨ હેઠળ શંકાસ્પદ વર્તન માટે કેસ નોંધાયા છે તો બે જણને સ્ટૅન્ડિંગ વૉરન્ટ આપવામાં આવ્યાં હતાં.