મુંબઈપોલીસે ઠેર-ઠેર ગોઠવેલાં કમ્પ્લેઇન્ટ બૉક્સ જ અસલામત

13 November, 2012 05:51 AM IST  | 

મુંબઈપોલીસે ઠેર-ઠેર ગોઠવેલાં કમ્પ્લેઇન્ટ બૉક્સ જ અસલામત



મુંબઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મુંબઈપોલીસે ગંભીર સમસ્યાનો હલ કાઢવા માટે બેસાડેલાં લગભગ ૧૦૦૦ કમ્પ્લેઇન્ટ બૉક્સમાંથી ગઈ કાલે મલાડ (વેસ્ટ)ના એવરશાઇનનગર પાસે આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બહાર લગાવવામાં આવેલા કમ્પ્લેઇન્ટ બૉક્સનું તાળું તૂટેલું મળી આવ્યું હતું અને લોકોએ એમાં નાખેલા ગુપ્ત ફરિયાદના લેટરો પણ ગાયબ હતા. એટલું જ નહીં, આ બૉક્સ એક રસી પર લટકતું હતું. મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ દ્વારા હાલમાં જ શહેરમાં આ કમ્પ્લેઇન્ટ બૉક્સ બેસાડવામાં આવ્યાં હતાં. લોકો લેટર લખીને તેમની ગુપ્ત અને ગંભીર સમસ્યાઓ જેમ કે મહિલાઓ સાથે છેડતી, નાનાં બાળકો પર થતા અત્યાચાર, આતંકવાદીઓ,

ચોરી-દરોડાના ગુનેગાર, તડીપાર આરોપી, ડ્રગ્સનું સેવન કરતા લોકો વિરૂદ્ધની ફરિયાદ પોલીસ સુધી પહોંચાડી શકે એ માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આ કમ્પ્લેઇન્ટ બૉક્સ લગાવવામાં આવ્યાં છે, પણ એની રક્ષા પોલીસ જ કરી શકતી નથી એ એણે જ સાબિત કરી દીધું છે.

આ કમ્પ્લેઇન્ટ બૉક્સ શહેરમાં સ્કૂલ, શૉપિંગ મૉલ, એટીએમ સેન્ટર, થિયેટર, કોર્ટ અને અન્ય પ્ાબ્લિક પ્લેસમાં બેસાડવામાં આવ્યાં છે. મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ દ્વારા શહેરમાં લોકોના પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે આ બૉક્સ બેસાડવામાં આવ્યાં હતાં. સત્યપાલ સિંહનું માનવું હતું કે લોકો પોલીસથી ડરે છે એટલે પોલીસ-સ્ટેશનમાં આવીને ફરિયાદ કરતા નથી. એથી નવી તરકીબ કાઢી તેમણે લોકોના પ્રૉબ્લેમ સરળતાથી સૉલ્વ કરવા માટે આ કમ્પ્લેઇન્ટ બૉક્સ બેસાડ્યાં હતાં.

પોલીસ-કમિશનરે અગાઉ કહ્યું હતું કે ‘મને સ્પેશ્યલ બ્રાન્ચની ટીમ પાસેથી લોકલ પોલીસ-સ્ટેશનની વિરૂદ્ધમાં ઘણી ફરિયાદો મળી હતી કે આ પોલીસ-સ્ટેશનોમાં લોકોના લેટરનો નાશ કરવામાં આવે છે. એટલે હું આ બૉક્સ બેસાડી રહ્યો છું. જોકે પોલીસે હવે આ બૉક્સની સલામતી માટે ગંભીર પગલા લેવાં જરૂરી છે.’

ડીસીપી (સ્પેશ્યલ બ્રાન્ચ-૧) સંજય શિંત્રેએ આ કમ્પ્લેઇન્ટ બૉક્સ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

કમ્પ્લેઇન્ટ બૉક્સની ખામીઓ

મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ દ્વારા શહેરમાં લગાવવામાં આવેલાં કમ્પ્લેઇન્ટ બૉક્સની સૌથી મોટી ખામી એ છે કે આ બૉક્સ પ્લાસ્ટિકનાં છે અને ફક્ત બે ખીલા વડે પબ્લિક પ્લેસમાં દીવાલ પર ફિક્સ કરવામાં આવ્યાં છે જેથી આસાનીથી કોઈ પણ આ બૉક્સ કાઢી શકે એવી શક્યતા છે. ઘણા લોકોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ બૉક્સ જ્યાં બેસાડવામાં આવ્યાં છે ત્યાં એની રક્ષા કરવા માટે એક પોલીસે ૨૪ કલાક હાજર રહેવું જોઈએ. અમારી ગંભીર સમસ્યા અમારે પોલીસને કહેવી હોય તો પણ કહી શકતા નથી. મુંબઈના પોલીસ-કમિશનરે આ બૉક્સ બેસાડીને ઘણા લોકોની મદદ કરી છે એટલે આ બૉક્સને વધુ મહત્વ આપી એની રક્ષા કરવી પણ જરૂરી છે.’

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન, ડીસીપી  = ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ