૨૦ વર્ષના સિરિયલ સાઇબર સ્ટૉકરની મુંબઈ પોલીસે ગુજરાતથી ધરપકડ કરી

10 September, 2020 03:45 PM IST  |  Mumbai | Mumbai correspondent

૨૦ વર્ષના સિરિયલ સાઇબર સ્ટૉકરની મુંબઈ પોલીસે ગુજરાતથી ધરપકડ કરી

મુંબઇ પોલીસ (ફાઇલ ફોટો)

મુંબઈ સાઇબર પોલીસે ૨૦ વર્ષના સિરિયલ સાઇબર સ્ટૉકરની ધરપકડ કરી છે, જેણે સગીર છોકરીઓનાં બનાવટી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યાં હતાં અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ હૅક કર્યાં હતાં. એ સાથે તેણે તેના મિત્રોને તેમની ખાનગી વિગતો શૅર કરી હતી અને યુવતીઓને બ્લૅકમેઇલ કરી તેણે વિવિધ માગણીઓ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા એક સગીર છોકરી અને તેના મિત્રને બ્લૅકમેઇલ કરવામાં આવ્યાં હતાં. તેણે તેમનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ હૅક કર્યાં હતાં અને તેઓના ફોટો અને વિડિયોનો ઉપયોગ કરીને તેમને બ્લૅકમેઇલ કરી રહ્યા હતા. કરેલી માગણીઓ પૂરી ન કરતાં તેઓએ તેમના ફોટો અને વિડિયો જુદાં-જુદાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અપલોડ કર્યા હતા. સાઇબર પોલીસ અધિકારીઓએ એફઆઇઆર નોંધાવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે આરોપી અલ્ફાઝ જમાનીને ગુજરાતના ભાવનગર જિલ્લામાંથી શોધી કાઢ્યો હતો, જેણે બનાવટી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યાં હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જમાનીએ સોશ્યલ મીડિયા પર એક કિશોર વયની યુવતીના રૂપમાં ૧૭ નકલી અકાઉન્ટ બનાવ્યાં હતાં. આ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તે કિશોરીઓ સાથે મિત્રતા કરતો અને તેમના ફોટો, વિડિયો મેળવીને પછી બ્લૅકમેઇલ કરતો હતો
ડીસીપી રશ્મી કરણનીકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘ગૂગલ ડ્રાઇવ, ક્લાઉડ અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ જેવા પ્લૅટફૉર્મ પર તેણે પીડિતોના ફોટો, વિડિયો સંગ્રહિત કર્યા હતા. હાલમાં વધુ તપાસ ચાલુ છે. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતાં તેને ૧૨ સપ્ટેમ્બર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

mumbai mumbai news gujarat mumbai police