વિક્રોલીમાં પરવાના વિનાની રિવૉલ્વર સાથે વકીલની ધરપકડ

15 February, 2020 12:06 PM IST  |  Mumbai

વિક્રોલીમાં પરવાના વિનાની રિવૉલ્વર સાથે વકીલની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

વિક્રોલી પશ્ચિમના પાર્કસાઈટ વિસ્તારમાં મોડી રાતે રિવૉલ્વર સાથે ફરતા એક વકીલની પોલીસે ધરપકડ કરી હતી. રિવૉલ્વર લઈને ફરી રહેલા શખસને જોઈને સ્થાનિકોએ ગભરાઈને પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે મુંબ્રામાં રહેતા ૪૪ વર્ષના શકીલ ઉસ્માન કાઝીની વિના પરવાના રિવૉલ્વર રાખવાના કેસમાં ધરપકડ કરી હતી. વિના પરવાના શસ્ત્ર રાખવાના કેસમાં ગયા વર્ષે પણ શકીલને જેલની સજા થઈ હતી. 

ગુરુવારે વહેલી  સવારે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના વિક્રોલી પશ્ચિમમાં પાર્કસાઇટમાં અપર ડેપો પાડા ખાતે બની હતી.  શંકાસ્પદ દેખાતા શખસને શસ્ત્રો લઈ જતા હોવાની બાતમી મળતાં જ પાર્કસાઇટ પોલીસ-પેટ્રોલિંગ વાહન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઉસ્માનને પકડી લીધો હતો. પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે  ‘રિવૉલ્વર લઈને કોઈ શકીલ ફરી રહ્યો હોવાનો અમને ફોન આવતાં જ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમને જોઈને શકીલ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. એ જ સમયે અમે તેને પકડી લીધો હતો.’

શકીલની પૂછપરછ હાથ ધરવામાં આવતાં તે વ્યવસાયે વકીલ છે અને અગાઉ પણ તેની વિના પરવાના શસ્ત્ર રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિક્રોલી સંબંધીને મળવા આવ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે શકીલ પાસેથી વિદેશી બનાવટની રિવૉલ્વર અને છ કારતૂસ જપ્ત કર્યાં હતાં.

vikhroli mumbai Crime News mumbai crime news