ગર્લફ્રેન્ડે બૉયફ્રેન્ડને કરેલા ૬૦ ફોન ભારે પડ્યા

21 September, 2012 04:57 AM IST  | 

ગર્લફ્રેન્ડે બૉયફ્રેન્ડને કરેલા ૬૦ ફોન ભારે પડ્યા



બોરીવલીના ૬૫ વર્ષના ફોટોગ્રાફર નવરાજ કવાત્રાની હત્યાના કેસમાં એમએચબી પોલીસ-સ્ટેશનની સ્પેશ્યલ બ્રાન્ચ ટીમે ૨૪ વર્ષના વિપુલ બોઝ, ૨૧ વર્ષની સબિતા ગુપ્તા, ૨૧ વર્ષના ગૌરાંગો ખળે અને ૧૭ વર્ષના સિદ્ધાર્થ ગુપ્તાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી સબિતા નવરાજ કવાત્રા માટે કામ કરતી હતી. તેણે રૂપિયાની લાલચમાં આવી તેના બૉયફ્રેન્ડ વિપુલ સાથે કવાત્રાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો, પણ લૂંટ કરતી વખતે મદદ માટે બૂમો પાડનારા નવરાજ કવાત્રાનું મોઢું દબાવવાને કારણે ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ સ્ટુડિયોમાં રાખેલા ૫૫,૦૦૦ રૂપિયા કૅશ સહિત એક વિડિયો-કૅમેરા લઈને નાસી ગયા હતા.

પોલીસે સૌપ્રથમ આ કેસમાં નવરાજ કવાત્રાના મોબાઇલ ફોનમાંથી ૩૦૦ યુવતીઓના ફોન-નંબર શોધી કાઢ્યા હતા. એમાંથી પોલીસને સબિતા નામની યુવતીનો એક શંકાસ્પદ નંબર મળી આવ્યો હતો. તપાસ કરતાં માહિતી મળી હતી કે નવરાજ કવાત્રાની હત્યા થઈ એ દિવસે સબિતાએ તેના બૉયફ્રેન્ડ વિપુલને ૬૦ ફોન-કૉલ કર્યા હતા. પોલીસે વિપુલને તાબામાં લઈ તેની પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ કયુંર્ હતું.

પોલીસે આપેલી માહિતી અનુસાર સબિતા વરલીની રહેવાસી છે અને તેણે કવાત્રાની પ્રૉપર્ટી વિશે વિપુલને કહ્યું હતું, એથી વિપુલે તેના પાડોશી ગૌરાંગો અને સિદ્ધાર્થની મદદ લઈ નવરાજને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. શુક્રવારે નવરાજને લૂંટવા વિપુલ, ગૌરાંગો અને સિદ્ધાર્થ નવરાજ કવાત્રાના સ્ટુડિયો પાસે પહોંચ્યા ત્યારે તેમણે સિદ્ધાર્થને સ્ટુડિયોની બહાર ઊભા રહી વૉચ રાખવા કહ્યું હતું; જ્યારે વિપુલ અને ગૌરાંગો તેમના સ્ટુડિયોની અંદર ગયા હતા. સ્ટુડિયોમાં જતાંની સાથે જ તેમણે નવરાજને તેમના પ્રૉપર્ટીના કાગળ અને રૂપિયા કયાં મૂક્યા છે એમ પૂછ્યું હતું. પાડોશીની મદદ માગવા નવરાજ કવાત્રાએ બૂમો પાડી ત્યારે તેમનું મોઢું બંધ કરવા તેમણે હાથેથી મોઢું દબાવ્યું હતું. લાંબા સમય સુધી મોઢી દબાવી રાખતાં ગૂંગળામણને કારણે નવરાજ કવાત્રાનું મૃત્યુ થયું હતું.

હત્યા થઈ એ દિવસે વિપુલ બોરીવલીમાં જ હતો એના આધારે તેની પૂછપરછ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને આવેલા મોટા ભાગના ફોન એ દિવસે સબિતાએ કર્યા હોવાનું એના કૉલ-લિસ્ટની માહિતીમાંથી જાણવા મળ્યું હતું. ઝોન-૧૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર મહેશ પાટીલે કહ્યું હતું કે ‘આ અમારા માટે એક ચૅલેન્જિંગ કેસ હતો. અમારી પાસે ૩૦૦ મૉડલ અને યુવતીઓના ફોન-નંબર હતા. એક-એક નંબરની તપાસ કર્યા બાદ અમને સબિતાનો નંબર મળી આવ્યો હતો. નવરાજ કવાત્રા સાથે સંપર્કમાં રહી તે ક્યાં છે અને શું કરે છે એની માહિતી સબિતા તેના બોયફ્રેન્ડને ફોન પર આપતી હતી.’

નવરાજ કવાત્રા પ્રખ્યાત પંજાબી લેખક અમ્રિતા પ્રીતમના પુત્ર હતા. તેમની હત્યા બોરીવલી (વેસ્ટ)ની આઇસી કૉલોની વિસ્તારમાં આવેલી એલઆઇસી કૉલોનીની વાઇલ્ડરનેસ સોસાયટીમાં તેમના સ્ટુડિયોમાં કરવામાં આવી હતી.

આઇસી  = ઇમૅક્યુલેટ કૉન્સેપ્શન

એલઆઇસી =  લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન

એમએચબી = મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન