પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરાઈ હોવાથી ખાતેદારોનું પ્રદર્શન કરવા પર રોક

21 September, 2020 07:15 AM IST  |  Mumbai | Faizan Khan

પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરાઈ હોવાથી ખાતેદારોનું પ્રદર્શન કરવા પર રોક

ગઈ કાલે અંધેરીમાં પીએમસી બૅન્કના ખાતેદારોએ બ્રાન્ચની સામે કર્યું હતું વિરોધ-પ્રદર્શન તસવીર : અનુરાગ આહિરે

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કનું કૌભાંડ બહાર આવ્યાને એક વર્ષ થવા જઈ રહ્યું છે ત્યારે એમાં જિંદગીભરની મૂડી ગુમાવનાર હજારો ખાતેદારો હાલ ભારે માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ આ સંદર્ભે ભેગા થઈને વિરોધ-પ્રદર્શન કરવાના છે અને તેમનાં નાણાં પાછાં મળે એ માટે રજૂઆત કરવાના છે. એ માટેના વૉટ્સઍપ મેસેજિસ ફરી રહ્યા છે, પણ પોલીસને આ બાબતે જાણ થતાં તેમણે હાલ ૧૪૪મી કલમ લાગુ કરાઈ હોવાથી નોટિસ મોકલાવી વિરોધ-પ્રદર્શન ન કરવા જણાવ્યું છે. જોકે પોલીસની મનાઈ છતાં વિરોધ-પ્રદર્શન કરવા મક્કમ હોવાનું ખાતેદારો કહી રહ્યા છે.

ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરે રિઝર્વ બૅન્કને પીએમસી બૅન્કમાં કૌભાંડ થયું હોવાનું જણાઈ આવતાં એણે વિધડ્રૉઅલ પર રોક મૂકી દીધી હતી. ગઈ કાલે રવિવારે અંધેરીમાં ૫૦ જેટલા ખાતેદારોએ પોલીસે તેમને સ્ટ્રિક્ટ નોટિસ આપી હતી કે હાલ કોરોનાના કારણે ૧૪૪ની કલમ લાગુ કરાઈ છે એથી વિરોધ-પ્રદર્શન નહીં કરી શકાય એમ છતાં તેમણે એ નોટિસને ન ગણકારતાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ખાતેદારોએ વિરોધ કરતાં કહ્યું કે આ તો સરકાર અને પોલીસ બન્ને તેમની સાથે ખોટું કરી રહી છે, કારણ કે રવિવારે જ મરાઠા આરક્ષણ માટે મુંબઈમાં અલગ-અલગ ૧૮ જગ્યાએ મોરચા નીકળ્યા હતા.

પીએમસી બૅન્કનાં ખાતેદાર મંજુલા કોટિયને કહ્યું હતું કે ‘પીએમસી બૅન્કનો મુદ્દો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને એકબીજા પર ઢોળી રહી છે. અમારી સમસ્યા પર ધ્યાન આપવામાં તેમને રસ જ નથી. હવે તેઓ અમારા વિરોધ-પ્રદર્શન કરવાના અધિકારને પણ કોરોનાના બહાને દબાવી દેવા માગે છે, જ્યારે કે બીજી બાજુ મરાઠા અનામતના વિરોધ-પ્રદર્શનની રેલી અનેક જગ્યાએ પોલીસની દેખરેખ હેઠળ જ નીકળી રહી છે. અમે ૨૩મીએ પ્રદર્શન કરીશું જ, કારણ કે અમે બહુ જ સહન કર્યું છે. એક વર્ષ થયું, પરંતુ તેમણે કઈ જ કર્યું નથી.’

પીએમસી બૅન્ક કૌભાંડ શું હતું?

પીએમસી બૅન્કના એ કૌભાંડમાં મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસ, ચૅરમૅન વરયામ સિંહ અને અન્ય ડિરેક્ટરો સંડોવાયેલા છે. તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને એની સહયોગી કંપનીઓને બહુ મોટી લોન આપી હતી, જે બૅન્કની કુલ ક્રેડિટ ફેસિલિટીના ૭૦ ટકા જેટલી થતી હતી. આ કેસની તપાસ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સિસ વિંગ દ્વારા કરાઈ હતી, જેમાં ૧૫ જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાં બૅન્ક મૅનેજમેન્ટના સભ્યો સહિત એચડીઆઇએલના પ્રમોટર રાકેશ અને સારંગ વાધવાનનો પણ સમાવેશ થાય છે.

mumbai mumbai news reserve bank of india faizan khan