એક બાજુ પ્લાસ્ટિક બૅગ વાપરવા પર ફાઇન અને બીજી તરફ એની જ હરાજી

30 July, 2012 03:49 AM IST  | 

એક બાજુ પ્લાસ્ટિક બૅગ વાપરવા પર ફાઇન અને બીજી તરફ એની જ હરાજી

રિન્કિતા ગુરવ

મુંબઈ, તા. ૩૦

એક તરફ સુધરાઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે છે તો બીજી તરફ દર વર્ષે જપ્ત કરેલા પ્લાસ્ટિકની હરાજી કરે છે. સુધરાઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જપ્ત કરેલા પ્લાસ્ટિકનો જથ્થો જ્યારે એક લાખ કિલો થઈ જાય છે ત્યારે સુધરાઈ એની હરાજી કરે છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે એક લાખ કિલો પ્લાસ્ટિકની હરાજીમાંથી ૨૭ લાખ રૂપિયા મળ્યાં હતા. આ પ્રથા ઘણાં વર્ષોથી ચાલતી આવી છે, કારણ કે આ પ્લાસ્ટિકનો નિકાલ કરવાની કોઈ યંત્રણા સુધરાઈ પાસે નથી. બિડરને આ પ્લાસ્ટિક બૅગ રીસાઇકલ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ તેણે એમ કર્યું કે નહીં એના પર ધ્યાન આપવામાં નથી આવતું.’

પહેલી જુલાઈ બાદ ૫૦ માઇક્રોન કરતાં ઓછી જાડાઈના પ્લાસ્ટિક સામે ઘણી કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો સુધરાઈએ કર્યો હતો, કારણ કે ૨૦૦૫ની ૨૫ જુલાઈએ આવેલા પૂર પાછળ પ્લાસ્ટિક પણ એક જવાબદાર પરિબળ હતું. દરેક વૉર્ડ-ઑફિસરને પ્લાસ્ટિકના ઉપયોગ સામે પગલાં ભરવા માટે સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ, બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી, મેઇટેનન્સ તથા સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટમાંથી એક-એક ઑફિસરની બનેલી ચાર સભ્યોની ટીમ બનાવવાની પણ સૂચના આપવામાં આવે છે.

આવી પ્રતિબંધિત બૅગના ઉત્પાદકો તથા વિક્રેતાઓને ૫૦૦૦ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવે છે. ફરી વાર આવો ગુનો આચરનારાઓને ૧૦,૦૦૦ રૂપિયા તથા વારંવાર આવો ગુનો કરનારા રીટેલરોને ૨૫,૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. દર વર્ષે ૫૦ માઇક્રોન કરતાં ઓછી જાડાઈના પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી થકી સુધરાઈને અંદાજે ૫૦ લાખ રૂપિયાની આવક થાય છે તેમ જ હરાજીમાંથી પણ લાખો રૂપિયાની આવક થવા છતાં શહેરમાંથી પ્લાસ્ટિકની થેલીની સંખ્યા ઓછી નથી થતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશ્યલ) રાજેન્દ્ર ભોસલેએ કહ્યું હતું કે ‘અમે પ્લાસ્ટિકની હરાજી કરીએ છીએ એનો અર્થ એવો નથી કે અમે ત્યાર બાદ ધ્યાન નથી આપતા. પ્લાસ્ટિક ખરીદનારાઓએ એને રીસાઇકલ કરવાનું હોય છે.’

આ વાત સાથે વૉર્ડ-ઑફિસના કર્મચારીઓ સહમત નથી.

એફ-સાઉથના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ખરીદનારાએ એને રીસાઇકલ કર્યું કે નહીં એના પર કોઈ ધ્યાન નથી આપતું. ખરીદ્યા પછી એને રીસાઇક્લિંગમાં આપવાની શરત હોવા છતાં એને ફરીથી વેચવામાં આવે છે.’