મુંબઈઃ દિવ્યાંગ રિદ્ધિની અનોખી સિદ્ધિ

12 August, 2020 12:20 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈઃ દિવ્યાંગ રિદ્ધિની અનોખી સિદ્ધિ

રિદ્ધિ ચંપક ગડા

ચર્ની રોડમાં રહેતી ૨૯ વર્ષની દિવ્યાંગ રિદ્ધિ ચંપક ગડાએ જબરદસ્ત વિલપાવર સાથે દેશભરનાં દિવ્યાંગ બાળકો માટેની શ્રી ક.વી.ઓ. દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડની ઉડાન કૉમ્પિટિશનમાં બીજું સ્થાન મેળવી સનશાઇન સ્ટારનું બિરુદ મેળવ્યું હતું.

યુટ્યુબ પર ૯ ઑગસ્ટે યોજાયેલી ઉડાનની આ કૉમ્પિટિશન ઑનલાઇન થઈ હતી જેમાં દેશભરમાંથી સામેલ થયેલા ૪૦ દિવ્યાંગ સ્પર્ધકોએ નૃત્ય, ગાયન, ટૅલન્ટ અને વક્તૃત્વ એમ ચાર કૅટેગરીમાં પર્ફોર્મ કર્યું હતું. મુંબઈની રિદ્ધિએ એમાં સેકન્ડ સ્થાન પર આવી સનશાઇન સ્ટાર હાંસલ કર્યો હતો. રિદ્ધિએ ચારેય કૅટેગરીમાં પર્ફોર્મ કર્યું હતું. જોકે જજિસ તરફથી આ સ્પર્ધાના તમામ સ્પર્ધકોની હિંમત અને મહેનતને વધાવી લીધાં હતાં અને દરેકને કોઈને કોઈ કૅટેગરીમાં ઇનામ જાહેર કર્યું હતું જેના કારણે એ તમામનાં મોં પર ખુશી છવાઈ ગઈ હતી.

રિદ્ધિના પિતા ચંપક ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું હતું કે ‘૧૯૯૧ની ચાર ડિસેમ્બરે પ્રેગ્નન્સીના સાતમા મહિને જ જન્મેલી રિદ્ધિને જન્મથી જ સેરિબ્રલ પૉલ્ઝી એટલે કે મગજના લકવાની બીમારી છે. આ બીમારીના કારણે તેના મગજને ઑક્સિજન ઓછો મળે એથી મગજ સંદેશો આપે એમ છતાં તેનું શરીર તેને એ કાર્ય કરવામાં સાથ ન આપે એવું બનતું હોય છે. જોકે એમ છતાં તે નાનપણથી જ હિંમતવાન છે. હું અને તેની મમ્મી તેને સતત સપોર્ટ આપીએ છીએ. તે મુંબઈ સેન્ટ્રલની દિવ્યાંગો માટેની સ્પેશ્યલ સ્કૂલમાં સાતમા ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણી છે. તે સારી રીતે વાંચી શકે છે. સમજે છે. ફક્ત તેને બોલવામાં વાર લાગે છે. તે અવારનવાર દિવ્યાંગ બાળકોની કૉમ્પિટિશનમાં ભાગ લે છે અને ઘણી વાર વીજયી બની મેડલ મેળવ્યા છે.’

mumbai mumbai news charni road