મુંબઈ : માઘી ગણેશોત્સવમાં પીઓપીની મૂર્તિની પરવાનગી

13 January, 2021 07:31 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : માઘી ગણેશોત્સવમાં પીઓપીની મૂર્તિની પરવાનગી

ગણપતિ મૂર્તિઓ

ગણપતિ, માતાજી અને અન્ય દેવી-દેવતાઓની પીઓપીની મૂર્તિને કારણે થતા પર્યાવરણના નુકસાનને જોતાં પીઓપીની મૂર્તિ પર કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે બંધી મૂકી હતી, પણ રાજ્યના પાંચ લાખ મૂર્તિકારો, કારખાનેદારોના પરિવારની આજ આજીવિકા હોવાના કારણે તો ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને કરેલી રજૂઆતને લક્ષમાં લઈ આ સંદર્ભે એક સમિતિનું ગઠન કરાયું છે અને એ સમિતિ જ્યાં સુધી તેનો અહેવાલ ન આપે ત્યાં સુધી એ બંધી પર સ્ટે મૂકવામાં આવ્યો છે. એથી આ માઘી ગણેશમાં મૂર્તિકારો પીઓપીની મૂર્તિ બનાવી શકશે તેમ જ તેનું વેચાણ કરી શકશે.

મૂર્તિકારો અને સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રતિનિંધિ મંડળે આ સંદર્ભે પહેલાં બીજેપીના અૅડ્. આશિષ શેલારને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમની સાથે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને મળી તેમને આ બાબતે માહિતગાર કર્યા હતા. એ વખતે પ્રકાશ જાવડેકરે તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે રસ્તો કાઢશું. હવે પીઓપીથી થતાં પર્યાવરણના નુકસાનની ચકાસણી કરવા એક સમિતિ બનાવાઈ છે જે એ બાબતનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ આપશે. એ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી એ બંધી પર હાલપૂરતી રોક લગાવી દેવાઈ છે. એથી હવે મૂર્તિકારો માઘી ગણેશ માટે પીઓપીની મૂર્તિ બનાવી શકશે.

ganpati mumbai mumbai news coronavirus covid19