પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની બિનશરતી માફી માગી

08 October, 2020 07:32 AM IST  |  Mumbai | Agency

પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની બિનશરતી માફી માગી

પાયલ ઘોષ અને રિચા ચઢ્ઢા

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર બળાત્કારનો આરોપ મૂકનારી અભિનેત્રી પાયલ ઘોષે ગઈ કાલે અભિનેત્રી રિચા ચઢ્ઢાની બિનશરતી માફી માગી હતી. ગઈ કાલે વકીલ નીતિન સાતપુતેએ વડી અદાલતના ન્યાયમૂર્તિ એ. કે. મેમણને જણાવ્યું હતું કે મારી અસીલ પાયલ ઘોષ રિચા ચઢ્ઢા વિશેની ટિપ્પણો બાબતે ખેદ વ્યક્ત કરતાં માફી માગે છે અને તેમનો ઇરાદો રિચા ચઢ્ઢાની બદનક્ષી કરવાનો નહોતો. અદાલતે કેસની આગામી સુનાવણી ૧૨ ઑક્ટોબરે નિર્ધારિત કરતાં બન્ને પક્ષોને સમાધાન માટે સંમતિની શરતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

રિચા ચઢ્ઢાએ પાયાવિહોણા, અસભ્ય અને અપમાનજનક આરોપો મૂકવા બદલ પાયલ ઘોષ સામે વડી અદાલતમાં બદનક્ષીનો દાવો માંડ્યો હતો અને સામાજિક પ્રતિષ્ઠાને હાનિ બદલ વળતર પણ માગ્યું હતું. બદનક્ષીના દાવામાં ન્યાયમૂર્તિ એસ. કે. મેમણે પ્રથમદર્શી રીતે બદનક્ષીનો કેસ બનતો હોવાનું જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ મેમણે કોઈ પણ વ્યક્તિ કે પક્ષને રિચા ચઢ્ઢા માટે અણછાજતી ટિપ્પણીઓ સોશ્યલ મીડિયામાં કે પ્રસાર માધ્યમો સમક્ષ નહીં કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.

બદનક્ષીના દાવાના અનુસંધાનમાં પાયલ ઘોષનું માફીનામું રિચા ચઢ્ઢાના વકીલોએ સ્વીકાર્યું હતું. પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર બળાત્કારનો આરોપ મૂકતી વેળા રિચા ચઢ્ઢા તથા અન્ય બે મહિલાઓનાં નામો પણ સંડોવ્યાં હતાં. રિચા ચઢ્ઢાએ બદનક્ષીના દાવામાં કમાલ આર ખાનને પણ પ્રતિવાદી બનાવ્યા હતા. કમાલ આર ખાનના વકીલ મનોજ ગડકરીએ જણાવ્યું હતું કે મારા અસીલ કમાલ ખાન હવેથી સોશ્યલ મીડિયા પર રિચા ચઢ્ઢા વિશે કોઈ અયોગ્ય ટિપ્પણી પોસ્ટ નહીં કરે તેની બાંયધરી આપે છે. અદાલતે કમાલ ખાન તરફથી નિવેદન સ્વીકાર્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળી

બૉલીવુડની અભિનેત્રી પાયલ ઘોષે ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન કિશન રેડ્ડીને મળીને સિને-દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર બળાત્કારના આરોપોના કેસમાં સત્વર ન્યાય અપાવવામાં મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો. પાયલે એ મુલાકાતની જાણકારી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી હતી. પાયલે કિશન રેડ્ડી સાથેની ચર્ચાની વિગતો આપી નહોતી.

પાયલ ઘોષના જાતીય સતામણીના આરોપોના અનુસંધાનમાં મુંબઈ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ફાઇલ કર્યાના પખવાડિયા પછી પાયલ ઘોષે ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીની મુલાકાત લીધી હતી. આ બાબતમાં પાયલ ઘોષે અગાઉ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ પણ રજૂઆત કરી હતી અને જરૂર પડે તો ગૃહ મંત્રાલયના હસ્તક્ષેપની માગણી કરીશ. અનુરાગ કશ્યપ ૨૦૧૩માં વર્સોવાના યારી રોડસ્થિત નિવાસસ્થાને બળાત્કાર આચર્યાના પાયલ ઘોષના આરોપો નકારી ચૂક્યા છે.

mumbai mumbai news richa chadha anurag kashyap bombay high court mumbai police