ડિસેમ્બરથી મુંબઈ અને પાલિતાણા વચ્ચે વીકલી સ્પેશ્યલ ટ્રેન

21 November, 2014 03:37 AM IST  | 

ડિસેમ્બરથી મુંબઈ અને પાલિતાણા વચ્ચે વીકલી સ્પેશ્યલ ટ્રેન





ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી મુંબઈથી પાલિતાણા વચ્ચે વીકલી સ્પેશ્યલ ટ્રેન દોડતી થવાની છે એવા ખુશખબર ગઈ કાલે દિલ્હીમાં રેલવે-મિનિસ્ટર સુરેશ પ્રભુને મળીને પાછા આવેલા એક પ્રતિનિધિમંડળે આપ્યા હતા. મુંબઈના BJPના સંસદસભ્યો કિરીટ સોમૈયા અને ગોપાલ શેટ્ટી સાથે રેલવે-મિનિસ્ટરને મળેલા આ પ્રતિનિધિમંડળના એક સભ્યે ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે મુંબઈગરા જૈનોની લાંબા સમયની આ માગણીને સ્વીકારવામાં આવી એ માટે કેન્દ્ર સરકાર અને ખાસ તો રેલવે-મિનિસ્ટરનો આભાર.

આ પ્રતિનિધિમંડળમાં સામેલ જૈન અગ્રણી રમેશ મોરબિયાએ કહ્યું હતું કે ‘બુધવારે રાત્રે જ રેલવે મિનિસ્ટરની અપૉઇન્ટમેન્ટ માગી હતી અને બે સંસદસભ્યો સાથે હતા તેથી તેમણે ગઈ કાલે બપોરે જ મળવા બોલાવ્યા હતા. લગભગ અઢી વાગ્યાથી અડધો-પોણો કલાક તેમણે અમારી રજૂઆત સાંભળી હતી અને ડિસેમ્બરથી આ વીકલી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાની ખાતરી આપી હતી.’

આ ટ્રેનનું શેડ્યુલ શું હશે એના જવાબમાં રમેશ મોરબિયાએ કહ્યું હતું કે ‘અમે રેલવે-મિનિસ્ટરને રજૂઆત કરી હતી કે દર શુક્રવારે સાંજે આ ટ્રેન મુંબઈથી પ્રસ્થાન કરીને શનિવારે સવારે પાલિતાણા પહોંચે અને ત્યાંથી સાંજે પાછી મુંબઈ આવવા નીકળે તો લોકો પાલિતાણા ઉપરાંત ભાવનગર જિલ્લામાં શેત્રુંજયની આસપાસનાં અન્ય જૈનેતર ર્તીથસ્થાનો સુધી જવાનો પણ લાભ લઈ શકે. જોકે રેલવે-મિનિસ્ટરે કહ્યું હતું કે આ સ્પેશ્યલ ટ્રેનનું ટાઇમ-ટેબલ અને સ્ટૉપ્સ સહિતની અન્ય તમામ વિગતો આ રૂટ પરની તમામ ટ્રેનોનાં શેડ્યુલ્સ જોઈને અધિકારીઓ નક્કી કરશે.’

જૈન સમાજની અન્ય એક માગણી દર વર્ષે દિવાળીના દિવસોમાં સમેતશિખરજીની યાત્રા માટે અડધો ડઝન જેટલી સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની છે. આ વિશે પણ રેલવે-મિનિસ્ટર સમક્ષ રજૂઆત કરી હોવાની માહિતી આપતાં રમેશ મોરબિયાએ કહ્યું હતું કે ‘મુંબઈથી હજારો જૈનો સંઘોમાં આ યાત્રાએ જાય છે અને લગભગ પાંચેક સ્પેશ્યલ ટ્રેનો મળે તો એમાં રાહત રહે. જોકે દર વર્ષે પૈસા આપવાની તૈયારી હોવા છતાં રેલવે પાસે સ્પેશ્યલી દોડાવી શકાય એવી ટ્રેનો જ અવેલેબલ નથી હોતી. રેલવે-મિનિસ્ટરે આ વિશે પણ વિચારણા કરવાનું કહ્યું હતું.’

રમેશ મોરબિયાના જણાવ્યા પ્રમાણે પાલિતાણાની સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અમે રેલવે-મિનિસ્ટરને ખાસ નિમંત્રણ આપ્યું હતું જેનો પ્રતિસાદ એકાદ-બે દિવસમાં તેઓ આપશે.

રેલવે-મિનિસ્ટરને મળેલા આ પ્રતિનિધિમંડળમાં બે સંસદસભ્યો કિરીટ સોમૈયા અને ગોપાલ શેટ્ટી ઉપરાંત રમેશ મોરબિયા, હિતેશ ભેદા, જયરાજ દેવાણી, મુકેશ દોશી, નીતિન સંઘવી અને કેતન કારાણીનો સમાવેશ હતો.