31 October, 2025 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહા વિકાસ આઘાડીના પક્ષોની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાજ ઠાકરે પણ ઉપસ્થિત હતા.
રાજ્યમાં સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ હવે જાહેર થવામાં જ છે ત્યારે મતદારયાદીની ત્રુટિઓને સુધારવામાં આવે અને ત્યાર બાદ જ ચૂંટણીઓ લેવામાં આવે એવી માગણી સાથે શિવસેના (UBT), કૉન્ગ્રેસ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદ પવાર), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાજ્યના અન્ય વિરોધ પક્ષોએ પહેલી નવેમ્બરે મુંબઈમાં મોરચાનું આયોજન કર્યું છે. એ સંદર્ભે ગઈ કાલે શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠક પછી અનિલ પરબ, સચિન સાવંત, જિતેન્દ્ર આવ્હાડ અને પ્રકાશ રેડ્ડીએ પત્રકાર-પરિષદ સંબોધી હતી. અનિલ પરબે કહ્યું હતું કે ‘અમે પહેલી નવેમ્બરે ‘સત્યનો મોરચો’ કાઢવાના છીએ. સત્યની લોકોને ખબર પડવી જોઈએ અને લોકોને અસત્યની પણ ખબર પડવી જોઈએ. બપારે એક વાગ્યે ફૅશન સ્ટ્રીટથી મોરચાની શરૂઆત થશે જે મેટ્રો સિનેમા થઈને મહાનગરપાલિકાના મેઇન ગેટ સુધી જશે. મતચોરીનું આ આંદોલન પાર પાડ્યા બાદ અમે આંદોલનની આગળની દિશા જણાવીશું. શરદ પવાર આ મોરચામાં હાજર રહેવાના છે. અમે જે માગણીઓ ઇલેક્શન કમિશનને કરી છે એ વિશે પણ મોરચામાં માહિતી આપીશું.’