જૈનોને ઝટકો : દિવાળીમાં માત્ર બે જ દેરાસર ખોલી શકાશે

11 November, 2020 07:56 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈનોને ઝટકો : દિવાળીમાં માત્ર બે જ દેરાસર ખોલી શકાશે

ભાયખલાનું મોતીશા જૈન દેરાસર

મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે ફક્ત બે જ દેરાસર ભાયખલા મોતીશા જૈન દેરાસર અને દાદરના જ્ઞાન મંદિર દેરાસરને ખોલવાની પરવાનગી આપી છે. આ ટ્રસ્ટોએ તેમની વચગાળાની રાહતની અરજીમાં મુંબઈનાં ૧૦૨ દેરાસરોની યાદી પણ જોડી હતી, પરંતુ ઍડ્વોકેટ જનરલના સખત વિરોધને કારણે કોર્ટે ફક્ત જેણે કોર્ટમાં અરજી કરી હતી એ બે જ દેરાસરોને ખોલવાની પરવાનગી આપી હતી. આ પહેલાં પર્યુષણપર્વમાં પણ સુપ્રીમ કોર્ટે જે ત્રણ અરજદારો કોર્ટમાં ગયા હતા તેમનાં જ દેરાસરોન ખોલવાની મંજૂરી આપી હતી. કોર્ટના આ આદેશથી જૈન સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી છે.

દાદરના આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ, દાદરના શ્રી ટીએકેએલ જ્ઞાન મંદિર ટ્રસ્ટ અને ભાયખલાના શેઠ મોતીશા રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી ઍડ્વોકેટ કેવલ્ય પી. શાહે દિવાળીના તહેવારોના પાંચ દિવસ મુંબઈનાં ૧૦૩થી વધુ દેરાસરોમાં દર્શન અને પૂજાસેવા કરવા દેવાની માગણી કરતી એક અરજી મુંબઈ હાઈ કોર્ટમાં કરી હતી.

કોર્ટના જજો એસ. જે. કાથાવાલા અને અભય આહુજાની બેન્ચના આદેશ મુજબ ભાયખલાનું મોતીશા જૈન દેરાસર અને દાદરનું જ્ઞાન મંદિર દેરાસર ૧૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી સવારે ૬થી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી ખોલી શકાશે. દેરાસરમાં ૧૫ મિનિટમાં ફક્ત આઠ ભાવિકોથી વધુ પ્રવેશ નહીં કરી શકે. આ પરવાનગીનો બીજાં કોઈ દેરાસરો ઉપયોગ કરી શકશે નહીં.

આ માહિતી આપતાં ઍડ્વોકેટ પ્રફુલ્લ શાહ, કેવલ્ય શાહ અને ગુંજન સંઘરાજકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલે દેરાસરો ખોલવાના મુદ્દે કોર્ટમાં ઘણી બધી દલીલો કરવામાં આવી હતી, જેમાં અમારી મુખ્ય દલીલ હતી કે જ્યારે મહારાષ્ટ્ર સરકારે એક તરફ રેસ્ટોરાં, હોટેલો, બાર, મૉલ્સ, ફૂડ ઝોન, ગાર્ડન, જિમ્નેશ્યમ, મેટ્રો અને મોનોરેલ, રેલવે અને બેસ્ટ બસોને એક ક્ષમતા સાથે ખોલવાની છૂટ આપી છે ત્યારે દેરાસરો અને ધાર્મિક સ્થળો શું કામ ખોલવાની સરકાર પરવાનગી આપતી નથી.

દાદરનું જ્ઞાન મંદિર દેરાસર

અરજદારોના ઍડ્વોકટોએ જણાવ્યા પ્રમાણે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે દિવાળીના તહેવારોના પાંચ દિવસમાં એક નિશ્ચિત સમય માટે દેરાસર ખોલવાની પરવાનગી આપવી જોઈએ. આ દેરાસરો ૧૦૦૦થી ૫૦૦૦ સ્ક્વેર ફુટનાં છે, જ્યાં સંક્રમણની કોઈ ચિંતા હોતી નથી. આ સ્થાનોમાં સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સામાજિક અંતર અને અન્ય નિયમોનું પાલન કરવા અરજદારો તૈયાર છે તેમ જ દેરાસરોમાં એક કલાકમાં ફક્ત ૩૦ ભક્તોને જ પૂજા અને પ્રાર્થના કરવા દેવાશે.

કોર્ટના આદેશની માહિતી આપતાં દાદરના આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ શાહે (દાઢી) ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણેય ટ્રસ્ટો તરફથી કોર્ટમાં મુંબઈનાં ૧૦૨ દેરાસરો ખોલવાની વચગાળાની રાહત માટે અરજી કરવામાં આવી હતી. જોકે સરકારના ઍડ્વોકેટનો જબરદસ્ત વિરોધ હતો. ઍડ્વોકેટ જનરલે તેમની દલીલમાં કહ્યું હતું કે પયુર્ષણપર્વ અને આયંબિલની ઓળી એ જૈનોના મહત્ત્વના ધાર્મિક તહેવારો હતા જેથી અમે એ દિવસોમાં કોઈ પ્રકારનો વિરોધ કર્યો નહોતો, પરંતુ દિવાળીનો તહેવાર તો જૈનો સિવાય બધા જ હિન્દુઓનો છે. જો અમે અત્યારે જૈનોને પરવાનગી આપીએ તો અમારે હિન્દુ મંદિરો ખોલવાની પરવાનગી પણ આપવી પડે. તેમણે ૧૦૨ દેરાસર ખોલવાનો પણ સખત વિરોધ કર્યો હતો. તેમણે ફક્ત બે અરજદારોનાં દેરાસરો ખોલવાની છૂટ આપવા કોર્ટને જણાવ્યું હતું.’

આયંબિલની ઓળીના સમયે કોર્ટે ૪૮ આયંબિલ શાળાઓ ખોલવાની છૂટ આપી હતી, જ્યારે અત્યારે તો ફક્ત બે જ દેરાસર ખોલવાની પરવાનગીથી જૈન સમાજને ઝટકો લાગ્યો હતો.

અન્ય દેરાસરોના ટ્રસ્ટીઓ શું કહે છે?

અમે કોર્ટના આદેશથી નારાજ છીએ. અમે બધાં જ દેરાસરોના ટ્રસ્ટીઓ સરકારની માર્ગદર્શિકા અને કોવિડના નિયમોનું પાલન કરવા તૈયાર હતા અને છીએ. કોર્ટે મુંબઈનાં બધાં જ દેરાસરો ખોલવાની પરવાનગી એકસાથે આપવી જોઈતી હતી છતાં અમે આ બાબતમાં કાયદાકીય નિષ્ણાતો અને અમારા ઍડ્વોકેટ સાથે વિચારવિર્મશ કરીને પછી કોર્ટમાં જવું કે નહીં એનો નિર્ણય લઈશું.
- ફુટરમલ જૈન, પાયધુનીના આદિશ્વર જૈન દેરાસરના ટ્રસ્ટી

તહેવારોના સમયે દેરાસરો બંધ રાખવાં એ એક અત્યંત દુખદ ઘટના છે. અમે અમારા કાયદાકીય સલાહકારના માર્ગદર્શનની રાહ જોઈને આગળની કાર્યવાહી કરીશું. અમે તો પર્યુષણપર્વ અને આયંબિલની ઓળીમાં સરકારની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું. આ વખતની પણ અમારી તૈયારી હતી.
- મનસુખ શાહ, ચેમ્બુરના જૈન દેરાસર સંઘના પ્રમુખ

ગઈ કાલનો આદેશ ખૂબ દુખદાયક છે. જ્યારે મુંબઈનાં જનજીવન હવે રેગ્યુલર થઈ રહ્યાં છે ત્યારે બધાં જ દેરાસરોને ખોલવાની છૂટ આપવી જોઈએ. અમે કોર્ટના ઑર્ડરની કૉપીનો અભ્યાસ કર્યા પછી અમારા સંઘ તરફથી આજે કોર્ટમાં પિટિશન ફાઇલ કરીશું.
- નીતિન શાહ, નવજીવન સોસાયટીના જૈન દેરાસરના પ્રમુખ

mumbai mumbai news coronavirus byculla dadar