09 October, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એકસાથે ચાર ટિકિટ કાઢી શકાશે ભારતની પહેલી કૉમન મોબિલિટી ઍપ-મુંબઈ વન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરી હતી. વન નેશન-વન મોબિલિટીના મંત્ર સાથે મુંબઈ અને નવી મુંબઈ મેટ્રો નેટવર્ક, મોનોરેલ, લોકલ ટ્રેન નેટવર્ક, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ, મીરા ભાઈંદર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ, કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અને નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ જેવા ૧૧ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સ (PTO) માટે કૉમન મોબિલિટી ઍપ – મુંબઈ વન ખૂબ મહત્ત્વની સાબિત થશે. આ ઍપ થકી મુંબઈગરા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડથી બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટિકિટ બુક કરીને સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મેળવી શકશે. આજે સવારે ૫ વાગ્યાથી આ ઍપ ડાઉનલોડ કરી શકાશે.
મોબાઇલમાં MUMBAI ONE ઍપ ડાઉનલોડ કરીને મોબાઇલ નંબરથી સાઇન ઇન કરવાનું રહેશે. ત્યાર બાદ સ્ટેશન સોર્સ અને ડેસ્ટિનેશન પસંદ કરીને ટિકિટની સંખ્યા પસંદ કરવાની રહેશે. એકસાથે ૪ ટિકિટ કાઢવાનો ઑપ્શન મળશે. ત્યાર બાદ UPI ઍપ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ જનરેટ થયેલો QR કોડ મેટ્રો ગેટ પર સ્કૅન કરી શકાશે. ટિકિટ- બુકિંગ ઉપરાંત ટ્રેન, બસ કે મેટ્રોની રિયલ ટાઇમ અપડેટ અને સ્ટેશનોની આસપાસની ફરવાલાયક જગ્યાઓ વિશે પણ માહિતી મળશે.