બાંદરામાં નાળાનું કામ ખોરંભે ચડતાં મુસાફરોની હાલાકીમાં વધારો

23 January, 2020 09:25 AM IST  |  Mumbai | Prajakta Kasale

બાંદરામાં નાળાનું કામ ખોરંભે ચડતાં મુસાફરોની હાલાકીમાં વધારો

ડિસેમ્બર મહિનાથી બાંદરા રેલવે સ્ટેશનના ઈસ્ટમાં આવેલા નાળાને પહોળું કરવાનું અટકી પડેલું કામ તસુભાર વધ્યું નથી. તસવીર : શાદાબ ખાન

બાંદરા રેલવે સ્ટેશનથી બીકેસી, કલાનગર, મ્હાડા, કલેક્ટર ઑફિસના વિસ્તારમાં ઑફિસે કે પછી ઘરે જતા રોજના લાખો ઉતારુઓ છેલ્લા બે મહિનાથી રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા હોવાથી પરેશાની વેઠી રહ્યા છે. બાંદરા-ઈસ્ટ તરફનો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હોવાથી બેસ્ટની બસસેવા પણ છેલ્લા બે મહિનાથી સ્ટેશનથી બંધ કરી બસ ડેપોથી શરૂ કરવામાં આવી છે. બાંદરા-ઈસ્ટમાં આવેલું ચમડાવાડી નાળું છલકાઈ જવાથી વરસાદમાં દર વર્ષે હાઇવે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે. આ ઉપરાંત અગમ્ય કારણસર બાંદરા-ઈસ્ટનો સ્કાયવૉક પણ બંધ કરવામાં આવ્યો હોવાથી મુસાફરોની હાલાકી વધી જાય છે. પહેલાં શૅરિંગમાં રિક્ષા મળી જતી હતી પરંતુ હવે તો રિક્ષાઓ મળવામાં પણ ઘણી સમસ્યા નડે છે. 

પાલિકાએ નવેમ્બર મહિનામાં નાળાને પહોળું કરવાનું કામ હાથ ધર્યું હતું. જોકે વાસ્તવમાં એક મહિના પછી ડિસેમ્બરમાં કામ શરૂ કરાયું જે બે જ દિવસમાં પાછું અટકી પડ્યું હતું. ત્યાર બાદથી અત્યાર સુધી નાળાનું કામ જરા પણ આગળ વધ્યું નથી.

આ પણ વાંચો : કીમતી વસ્તુઓ ખરીદીને ઑનલાઇન પેમેન્ટના નામે ચીટિંગ કરનાર પકડાયો

ટ્રાફિકને કારણે બાંદરા-ઈસ્ટમાં પહેલેથી જ હાલત ખૂબ જ ખરાબ હતી એમાં વળી નાળાનું કામ રખડી પડતાં સ્થિતિ હદબહાર બગડી છે. બીએમસીના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કોઈ એક બાંધકામને કારણે વિવાદ સર્જાતાં કામ અટકી પડ્યું છે જે ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીત પછી જ શરૂ કરી શકાશે.

bandra brihanmumbai municipal corporation mumbai news