મુંબઈ: હવે મલાડની સ્કૂલે ફી ન ભરનારા વિદ્યાર્થીઓને કર્યા ભણતરથી વંચિત

16 April, 2021 11:56 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

શેઠ જુગ્ગીલાલ પોદાર ઍકૅડૅમીનું કહેવું છે કે જ્યાં સુધી સો ટકા ફી ભરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને રિપોર્ટ-કાર્ડ નહીં મળે તેમ જ તેમને ઑનલાઇન ક્લાસમાં બેસવા નહીં દેવાય

પ્રતીકાત્મક તસવીર

મલાડ (ઈસ્ટ)ની આઇસીએસઈ બોર્ડની સ્કૂલ સેઠ જુગ્ગીલાલ પોદાર ઍકૅડૅમીના વાલીઓ અને મૅનેજમેન્ટ ફીના મુદ્દે આમનેસામને આવી ગયાં છે. પોદાર સ્કૂલના અંદાજે ૩૦૦ જેટલાં બાળકોની ૧૦૦ ટકા ફી નથી ભરાઈ એથી તેમનાં રિપોર્ટ-કાર્ડ સ્કૂલ દ્વારા રોકી રખાયાં છે. એટલું જ નહીં, તેમને નવા વર્ષના ઑનલાઇન ભણવાના ગ્રુપમાંથી પણ ડિલીટ કરી દેવામાં આવ્યાં છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલે ફી ભર્યા પછી જ રિપોર્ટ-કાર્ડ અને ઑનલાઇન ભણવા મળશે એવું જણાવ્યું છે. 

કોરોનાના કારણે અનેક વાલીઓની નોકરી છૂટી ગઈ છે, પગાર ઘટાડી નખાયા છે અને ધંધા ઠપ થઈ ગયા છે ત્યારે વાલીઓ દ્વારા ફીમાં રાહત આપવાની માગણી કરાઈ છે. સામે પક્ષે સ્કૂલ-મૅનેજમેન્ટનું કહેવું છે કે બાળકોની ફી જ અમારો એકમાત્ર સોર્સ ઑફ ઇન્કમ હોવાથી અમે એ ઘટાડી ન શકીએ. જે બાળકોની ૧૦૦ ટકા ફી ભરાશે તેમને જ ઑનલાઇન ભણાવવામાં આવશે.

આ બાબતે એક વાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારાં બાળકો અહીં ભણે છે. સ્કૂલ સામે અમને કોઈ દ્વેષ નથી, પણ સ્કૂલ મૅનેજમેન્ટે અમારી પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. અમે તેમને કહ્યું કે ઘણા વાલીઓ હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, અમને ફીમાં રાહત આપો. તો એ લોકો અમારું કંઈ સાંભળવા જ તૈયાર નથી. મૅનેજમેન્ટ કે ટ્રસ્ટીઓ મળતા જ નથી અને અમારી ઈ-મેઇલ કે પત્રોના જવાબ આપતા નથી. અમારી કોઈ વાત સાંભળવા તેઓ તૈયાર નથી. સ્કૂલનું એક જ સ્ટૅન્ડ છે કે આખેઆખી ફી ભરો તો આગળના ધોરણમાં તમારા બાળકને ઑનલાઇન ભણાવીશું. એવું નથી કે દરેક વાલીએ ફી નથી ભરી. હાલ તેમનાથી બની શકે એટલી ૫૦ ટકા કે ૭૫ ટકા ફી ભરી દીધી છે. હા, એટલું ખરું કે એ ફી પણ તેમણે ટુકડે-ટુકડે ભરી છે, પણ ૧૦૦ ટકા ફી ભરવા જ સ્કૂલ તરફથી દબાણ કરાય છે. હાલ બીજી ઍક્ટિવિટી, કમ્પ્યુટર ક્લાસ બધું બંધ છે છતાં ફી તો પૂરી જ ભરવી પડે છે અને એમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટની પણ ગાઇડલાઇન છે કે બાળકોના ભણતરને રોકી ન શકાય કે પછી તેમના રિપોર્ટ-કાર્ડ રોકી ન શકાય, પણ મૅનેજમેન્ટને કોઈ ફરક નથી પડતો. તેમને ફી ઉઘરાવવામાં જ રસ છે.’

એક વાલીએ કહ્યું હતું કે ‘નવા ઍકૅડૅમિક યરના ઑનલાઇન ક્લાસ ચાલુ થયા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ જેમની પૂરી ફી નહોતી ભરાઈ તેમને ગ્રુપમાંથી ડિલીટ નહોતા કરાયા. શરૂઆતમાં તેમના ઑનલાઇન ક્લાસ ચાલુ હતા. ત્યારે બીજા એક ટીચરે ચાલુ ક્લાસે ઇન્ટરપ્ટ કરીને એ વિદ્યાર્થીઓનાં નામ લઈને કહ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ડિફૉલ્ટર છે, તેમણે પૂરી ફી નથી ભરી, તેમને કાઢી નાખો. એથી તેમને તરત જ ગ્રુપમાંથી ડિલીટ કરી નખાયા હતા. આમ બીજા વિદ્યાર્થીઓ સામે અમારાં બાળકોને હ્યુમિલિયેટ કરાયાં હતાં. આવું કેવી રીતે ચલાવી લેવાય? બાળકોના મગજ પર એની કેવી ખરાબ અસર પડે?’

ફી એક જ અમારો ઇન્કમ સોર્સ : સ્કૂલના મૅનેજર

વાલીઓની આ વ્યથા સંદર્ભે સ્કૂલનું શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’ દ્વારા  સ્કૂલના મૅનેજર ઓમપ્રકાશ ડીડવાણિયાનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ફી એ એક જ અમારો ઇન્કમ સોર્સ છે. ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફ મળી કુલ ૨૫૦ કર્મચારીઓ છે જેમનો પગાર અમે આપીએ છીએ. બીજા પણ ઘણા ખર્ચા હોય છે જે અમારે દર મહિને ચૂકવવા પડતા હોય છે. આખું વર્ષ વાલીઓએ આંદોલનો અને ધરણાં કર્યાં. તેઓ સ્કૂલ પર મોરચા લઈ આવ્યા. હવે જ્યારે તેમનાં બાળકોને ઑનલાઇન શિક્ષણ નથી મળી રહ્યું ત્યારે તેઓ ઘાંઘા થયા છે. અમે ફીના હપ્તા કરી આપ્યા છે. ઘણા વાલીઓએ હપ્તામાં ફી ભરી છે, જે અમે સ્વીકારી જ છે. અમારું સ્ટૅન્ડ બહુ ક્લિયર છે કે ૧૦૦ ટકા ફી ભરશે તેમને જ રિપોર્ટ-કાર્ડ અને ઑનલાઇન શિક્ષણ મળશે. અમારી પણ એવી જ ઇચ્છા છે કે અમારી સ્કૂલમાં બાળકો સારી રીતે ભણે અને આગળ વધે.’

mumbai mumbai news bakulesh trivedi malad