23 નવેમ્બરથી સ્કૂલ ખૂલી રહી છે અને શિક્ષકો માટે કોવિડ-ટેસ્ટ ફરજિયાત છે

20 November, 2020 07:43 AM IST  |  Mumbai | Pallavi Smart

23 નવેમ્બરથી સ્કૂલ ખૂલી રહી છે અને શિક્ષકો માટે કોવિડ-ટેસ્ટ ફરજિયાત છે

કોવિડ ટેસ્ટ માટે શિક્ષકોની લાઇન લાગી

૨૩ નવેમ્બરે સ્કૂલો ફરી શરૂ કરતાં પહેલાં શિક્ષકો અને સ્ટાફર્સ માટે દરેક વૉર્ડની એક સ્કૂલમાં ટેસ્ટિંગ ફૅસિલિટી પણ શરૂ કરવામાં આવી છે. શાળાઓ શરૂ કરતાં પહેલાં ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત હોવાથી બીએમસી અને સરકારના શિક્ષણ વિભાગ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ દિવસથી શાળાઓએ કોવિડ ટેસ્ટ સેન્ટરનું રૂપ ધારણ કર્યું હોવાથી શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓની કતાર લાગી રહી છે. શિક્ષકો ૧૭ નવેમ્બરથી ટેસ્ટ કરાવવા ફાંફાં મારતા હતા, પરંતુ હવે એ કાર્ય માટે આયોજનબદ્ધ સુવિધા ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા કે નહીં એના વિકલ્પ વાલીઓ માટે ખુલ્લા છે, પરંતુ શિક્ષકોને શાળામાં હાજરી આપવા સિવાય છૂટકો નથી. અગાઉ શિક્ષકોને ૧૭થી ૨૨ નવેમ્બર વચ્ચે ટેસ્ટ કરાવવાની સૂચના આપવામાં આવી હતી. એ સૂચનાના અનુસંધાનમાં સ્થાનિક વહીવટી તંત્રને શિક્ષકોની RT-PCR ટેસ્ટ મફતમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ શિક્ષકો ટેસ્ટ ક્યાં કરાવવો એની વિમાસણમાં હતા. મહાનગરપાલિકાના ટેસ્ટ સેન્ટર્સમાં જવું કે ન જવું એની અવઢવમાં પડેલા શિક્ષકોને આ સગવડ મળતાં હાશકારો થયો છે. આ વ્યવસ્થા પ્રમાણે ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફ ૧૯થી ૨૧ નવેમ્બર વચ્ચે ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ સેન્ટર્સમાં તેમણે આધાર કાર્ડ અને શાળાનું ઓળખપત્ર બતાવવાનું રહેશે.

mumbai mumbai news pallavi smart coronavirus covid19 brihanmumbai municipal corporation