જોગેશ્વરીનું 1 નંબરનું પ્લૅટફૉર્મ તોડી પડાશે

05 April, 2017 04:18 AM IST  | 

જોગેશ્વરીનું 1 નંબરનું પ્લૅટફૉર્મ તોડી પડાશે




શશાંક રાવ


વેસ્ટર્ન રેલવેમાં આગામી દિવસોમાં ટ્રેન-સર્વિસમાં મોટા પાયે વિલંબ માટે તૈયાર રહેજો. જોગેશ્વરી સ્ટેશને સ્લો લાઇન પરની ટ્રેન-સર્વિસ થોડા દિવસ માટે બંધ રાખવાનું આયોજન રેલવેના સત્તાવાળાઓ કરી રહ્યા છે. હાર્બર લાઇનને અંધેરીથી ગોરેગામ સુધી લંબાવવાની કામગીરીના ભાગરૂપે જોગેશ્વરી સ્ટેશન ખાતેના ટ્રૅક્સ ખસેડવામાં આવશે.

૧૦૩ કરોડ રૂપિયાના અંધેરી-ગોરેગામ હાર્બર લાઇન એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું કામકાજ મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC)એ હવે જોરશોરથી ઉપાડ્યું છે. આ પ્રોજેક્ટની ડેડલાઇન ૩૧ માર્ચની હતી, પણ જોગેશ્વરી સ્ટેશને મહત્વનું કામ બાકી હોવાથી ડેડલાઇન લંબાવવામાં આવી છે.

ટ્રેન-સર્વિસને થશે અસર

જોગેશ્વરી સ્ટેશનને વેસ્ટ સાઇડના પ્લૅટફૉર્મ નંબર એકને તોડી પાડવાની દરખાસ્ત MRVCએ વેસ્ટર્ન રેલવેને મોકલી છે. આ કામ માટે જોગેશ્વરી સ્ટેશને સ્લો લાઇન પરની ટ્રેન-સર્વિસ થોડા સમય માટે બંધ રાખવી પડશે. આ બ્લૉક દસથી ૧૫ દિવસનો રહેશે અને એ દરમ્યાન જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. એનો અર્થ એ થયો કે જોગેશ્વરી સ્ટેશને સ્લો લાઇન પર એક પણ ટ્રેન ઊભી નહીં રહે.

વેસ્ટર્ન રેલવેની દૈનિક ૧૩૨૩ ટ્રેન-સર્વિસ પૈકીની ૫૦૦થી વધુ સ્લો લાઇન પર ચાલે છે અને જોગેશ્વરી સ્ટેશને એવી ટ્રેનો હૉલ્ટ કરે છે. પ્લૅટફૉર્મને તોડી પાડવાની દસથી ૧૫ દિવસની કામગીરી દરમ્યાન સ્લો ટ્રૅકની એકેય ટ્રેન જોગેશ્વરી સ્ટેશને હૉલ્ટ નહીં કરે. જોકે સેમી-ફાસ્ટ ચર્ચગેટ-બોરીવલી ટ્રેનોનો પ્લૅટફૉર્મ-નંબર ત્રણ અને ચાર પરનો હૉલ્ટ ચાલુ રહેશે.

હાર્બર લાઇનને ગોરેગામ સુધી લંબાવવાના કામનો મહત્વનો તબક્કો શરૂ

જોગેશ્વરી સ્ટેશનનો રોજ ઉપયોગ કરતા ૪૦,૦૦૦થી વધુ પ્રવાસીઓને આ કામને કારણે મોટી અડચણ થશે એ નક્કી છે. જોગેશ્વરી તથા ગોરેગામ વચ્ચેના રામમંદિર સ્ટેશનનો ઉપયોગ અંદાજે ૧૭,૦૦૦ લોકો રોજ કરે છે અને રામમંદિર સ્ટેશને માત્ર સ્લો ટ્રેનો જ હૉલ્ટ કરે છે. દસથી ૧૫ દિવસના મેગા બ્લૉક દરમ્યાન રામમંદિર સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જબ્બર કામ


હાર્બર લાઇનને ગોરેગામ સુધી લંબાવવાના પ્રોજેક્ટ દરમ્યાન સત્તાવાળાઓ જોગેશ્વરી સ્ટેશનનું વેસ્ટ સાઇડનું પ્લૅટફૉર્મ-નંબર કટ કરીને મજબૂત સિમેન્ટેડ પ્લૅટફૉર્મ માટેની જગ્યા બનાવી શક્યા નહોતા. આખરે આખા પ્લૅટફૉર્મને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નવી યોજના અનુસાર વેસ્ટ તરફની સ્લો લાઇન્સનું અલાઇનમેન્ટ શિફ્ટ કરવામાં આવશે, હાર્બર લાઇન માટે બે વધારાના ટ્રૅક્સ નાખવામાં આવશે અને પ્લૅટફૉર્મ-નંબર બે તથા ત્રણને પહોળું કરવામાં આવશે. આ પ્લૅટફૉર્મની પહોળાઈ હાલ છ મીટરની છે, જેને વધારીને કમસે કમ આઠ મીટરની કરવામાં આવશે જેથી પીક અવર્સમાં લોકોની ભીડને કારણે કોઈ સમસ્યા ન સર્જાય.